New Dilhi/ દેશમાં નશાના કારોબારને લઈને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા જારી કરાયેલા તાજેતરના વાર્ષિક અહેવાલમાં એક અત્યંત ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, હવે ડ્રગ માફિયાઓ પરંપરાગત નશાની સાથે-સાથે માનસિક સ્વાસ્થ્યની સારવારમાં વપરાતી દવાઓ (સાયકેડેલિક ડ્રગ્સ)ને નશાના વિકલ્પ તરીકે બજારમાં ઉતારી રહ્યા છે. મેડિકલ સુપરવિઝન વિના એલએસડી (LSD), સાઇલોસાયબિન અને કેટામાઇન જેવી દવાઓનો દુરુપયોગ યુવાનોમાં ઝડપથી વધી રહ્યો છે, જે સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર બન્યો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના વાર્ષિક અહેવાલમાં ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, નશાના સોદાગરો હવે પકડાવાના ડરથી બચવા માટે આધુનિક ટેકનોલોજીનો આશરો લઈ રહ્યા છે. ડ્રગ્સના ખરીદ-વેચાણ અને પેમેન્ટ માટે ડાર્કનેટ, ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)અને એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે આ આખા નેટવર્કને ટ્રેક કરવું વધુ જટિલ બની ગયું છે.
હેરોઇન કરતાં 500 ગણો શક્તિશાળી નવો ખતરો: ‘નાઇટાઝીન’
વૈશ્વિક સ્તરે સિન્થેટિક ડ્રગ્સ (મેથામ્ફેટામાઇન અને કેપ્ટાગોન) નો પ્રભાવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ગેરકાયદેસર લેબોરેટરીઝમાં બનતી આ દવાઓમાં 48 ટકા હિસ્સો એમ્ફેટામાઇન શ્રેણીના ઉત્તેજક પદાર્થોનો છે. રિપોર્ટમાં ‘નાઇટાઝીન’ નામના અલ્ટ્રા-પોટેન્ટ સિન્થેટિક ઓપિયોઇડને સૌથી મોટો નવો ખતરો ગણાવ્યો છે. આ નશો સામાન્ય હેરોઇન કરતાં 500 ગણો વધુ શક્તિશાળી છે અને અત્યાર સુધીમાં વિશ્વના 35 દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે.
વર્ષ 2023માં નશાની વૈશ્વિક સ્થિતિના ચિંતાજનક આંકડા
વિશ્વભરમાં આશરે 31.6 કરોડ લોકોએ માદક પદાર્થો (Narcotics)નું સેવન કર્યું, જેમાં ‘ગાંજો’ (કેનાબીસ) સૌથી મોખરે રહ્યો હતો. જ્યારે કોકેનના વૈશ્વિક ઉત્પાદનમાં 34 ટકાનો રેકોર્ડતોડ વધારો નોંધાયો છે, જે વધીને 3,708 ટન સુધી પહોંચી ગયું છે. વિશ્વમાં માદક પદાર્થવપરાશનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. જેમાં ગાંજો 24.4 %, ઓપિયોઇડ્સ 6.1%, એટીએસ (ATS)3.1%, અને કોકેનનું 2.5% પ્રમાણ વિશ્વમાં નોંધાયું છે.
ભારત બેવડા પડકારોની વચ્ચે: ‘ડેથ ક્રેસન્ટ’ અને ‘ડેથ ટ્રાયન્ગલ’
ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારત ડ્રગ્સની હેરાફેરીના વિશ્વના બે સૌથી મોટા રૂટની બિલકુલ વચ્ચે આવેલું છે
1. ડેથ ક્રેસન્ટ : અફીણ અને હેરોઇન તસ્કરીનું આ મુખ્ય કેન્દ્ર ભારતના સરહદી રાજ્યો જેવા કે ગુજરાત, પંજાબ અને રાજસ્થાનને સીધું પ્રભાવિત કરી રહ્યું છે.
2. ડેથ ટ્રાયન્ગલ: આ વિસ્તાર મેથામ્ફેટામાઇન જેવા સિન્થેટિક ડ્રગ્સનું મોટું હબ બની ચૂક્યું છે, જે ભારતની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો છે.
ગૃહમંત્રી અમિત શાહની હાકલ

આ અંગે દેશના ગૃહ પ્રધાન અમિત શાહે ચિંતા વ્યક્ત કરતા જાણાવ્યું હતું કે, “આ લડાઈ એકલા હાથે શક્ય નથી”નશાના આ વધતા દૂષણ પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નશા વિરૂદ્ધની આ જંગ કોઈ એક વિભાગ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર એકલી લડી શકે નહીં.શાહે ભારપૂર્વક જણાવ્યું કે, નશાના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે તમામ રાજ્યો અને વિભાગોએ પરસ્પર સમન્વય, સહભાગિતા અને સહયોગ સાથે એકસાથે આવવું પડશે. આ અભિયાનમાં દેશના યુવાનો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોની ભાગીદારી વધારીને આને એક સામૂહિક લક્ષ્ય બનાવવું પડશે, તો જ ભારતને નશામુક્ત કરી શકાશે.
આ પણ વાંચો: અભિનેતા અરમાન કોહલીના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના દરોડા
આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ નાર્કોટિક્સ હેલ્પ લાઈન કરશે લોન્ચ
આ પણ વાંચો: મુંબઈમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, ₹1745 કરોડનું કોકેન જપ્ત
