બનાસકાંઠામાં અતિભારે વરસાદે સર્જેલી પૂરની સ્થિતિ અને તેના નુકસાનની વ્યાપકતાંના અહેવાલો મળી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરવા આવનાર છે. રાજ્ય સરકાર, ઉચ્ચાધિકારીઓ સહિત સમગ્ર બચાવતંત્ર પૂરગ્રસ્તોની મદદમાં છે. ત્યાં બીજીતરફ રાજ્યમાં અમદાવાદ સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી પણ છે.
ગઇકાલે સાંજે લેવાયેલા નિર્ણય મુજબ ધરોઇ ડેમ 617 ફૂટે પહોંચતાં રાત્રિના બે કલાકથી પાણી છોડાવાની શરુઆત થઇ હતી. જેને લઇને અમદાવાદમાં સાબરમતી નદી ખાલી કરી નવાં આવનારાં પચાસ હજાર ક્યૂસેકથી વધુ પાણીને સમાવી લેવા માટે તૈયારી કરવામાં આવી હતી સાથે વાસણા બેરેજના 26 દરવાજા પણ ખોલી દેવાયાં છે. સમગ્ર પરિસ્થિતિ પર સ્ટેટ કંટ્રોલ નજર રાખી રહ્યું છે.
આ મુદ્દામાં જાણો સ્થિતિની ગંભીરતાઃ
– વાસણા બેરજના 26 દરવાજા ખોલાયાં
– હજુ 72 કલાકની વરસાદની હવામાન વિભાગની આગાહી
– ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં એક લાખ ક્યૂસેક પાણી છોડાયું
– સાબરમતી નદીમાં નવા પાણીની આવક શરુ
– સાબરમતી નદીના કાંઠે આવતાં તમામ ગામોને કરાયાં એલર્ટ
– સાંતલપુરના 10 થી વધુ ગામો સંપર્કવિહોણા
– બનાસકાંઠામાં પૂરની સ્થિતિ વિકટ બની
– પૂરના પાણીથી વાહનો અને પશુઓ તણાયાં
– સતત વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી
– અરવલ્લી જિલ્લાની માઝૂમ નદીમાં પૂરની સ્થિતિ
– માઝૂમ ડેમના 4 દરવાજા ખોલાયા, 15,000 કયૂસેક પાણી છોડાયું
– પાલનપુરનું માલા તળાવ ઑવરફલો થયું
– ધાનેરા-ડીસા હાઈવે પર પાણી ફરી વળ્યાં છે, અનેક વાહનો ફસાયાં
– બનાસકાંઠાનો રેલવે ટ્રેક ધોવાયો, વડગામના મજાદર ગામે રેલવે ટ્રેક ધોવાયો
– દિલ્હી- અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાયો
– બનાસ નદીમાં પાણી છોડાયું
– સાબરકાંઠા અને પાટણમાં પણ પાણી ફરી વળ્યાં
– મોડાસાનું ઓઘારી તળાવ ઑવરફ્લો
– પાટણની આજુબાજુના ગામોમાં પાણી ભરાયાં
