Not Set/ રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર: રાજકોટમાં ૧૩ઈંચ, ટંકારામાં 14 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘમહેર યથાવત રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદે જમાવટ કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત્ છે. રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી છૂટાછવાયા ઝાપટા પડ્યા બાદ શુક્રવારે સાંજથી વરસાદે ઇનિંગ શરૂ કરી છે. હજુ પણ આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે […]

Uncategorized

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘમહેર યથાવત રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદે જમાવટ કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત્ છે. રાજ્યના 50થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી છૂટાછવાયા ઝાપટા પડ્યા બાદ શુક્રવારે સાંજથી વરસાદે ઇનિંગ શરૂ કરી છે. હજુ પણ આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા જીલ્લામાં બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થયો છે. દિયોદર તાલુકામાં બે દિવસમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયુ છે. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બનાસકાંઠાના ધાનેરા નજીક કોઝવે તૂટ્યો હોવાનું સામે આવ્યું. મળતી માહિતી મુજબ ધાનેરા-થરાદને જોડતો કોઝવે તૂટ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી આવ્યું છે. જેના કારણે કોઝવે તૂટતા ટ્રાફિકજામ સર્જાયો. મહત્વનું છે કે, બે વર્ષ અગાઉ પણ પાણી આવતા પુલ તૂટ્યો હતો.

અમીરગઢ અને માઉન્ટ આબુમાં વરસાદે તારાજી સર્જી છે. અમીરગઢના 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડ્યા હતા. જ્યારે માઉન્ટમાં દીવાલ પડી જતા બે વ્યક્તિના મોત થયા હતા. અમીરગઢ તંત્ર દ્વારા 15 ગામોને નદીના પટમાં ન ઉતરવા સૂચના આપી છે. જ્યારે બનાસનદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમીરગઢ તાલુકામાં 3 ઈંચ ઉપરાંત વરસાદ જ્યારે માઉન્ટ આબુમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનું ઘોડાપુર આવતા તેમજ જુનિરોહ ગામ નજીક 10 ગામોને સાંકળતા નદીના પટ પર બનાવેલા રપટ પર પાણી ફરીવળતા 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા. જોકે નવીન પુલની કામગીરી ચાલે છે તે પૂર્ણ થયા બાદ લોકોને શાંતિ થશે.

મોરબી જિલ્લાના ટંકારામાં માત્ર 12 કલાકમાં જ  14 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ મધરાતે મેઘો મહેરબાન થયો હતો જેના પગલે અત્યાર સુધી 13 ઈંચ વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને પગલે શાળા અને કોલેજો બંધ રાખવા કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ આદેશ આપ્યો છે. રાજકોટમાં 11થી માંડીને 13 ઈંચ વરસાદ પડ્યો છે. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 13, વેસ્ટમાં 12 અને ઈસ્ટ ઝોનમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હોવાના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અહેવાલ છે. જ્યારે આજી ડેમની જળસપાટી 15 ફૂટ અને ન્યારીમાં 18 ફૂટનો વધારો થયો છે.

હાલારમાં શુક્રવારના મેઘાડંબર વચ્ચે ધ્રોલ પંથકમાં છ કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા નદી નાળામાં પુરને કારણે નવ ગામમાં જવાના રસ્તા બંધ થઇ ગયા હતાં. આંગણવાડીમાં ત્રણ ફુટ પાણી ભરાઇ ગયા હતાં અને રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા હતાં. ધ્રોલમાં 1.25, જોડિયા, લાલપુર, જામનગર, કાલાવડમાં 1, ખંભાળિયામાં અડધો ઇંચવરસાદ પડયો હતો. અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડયો હતો.  જોડિયામાં ઘરમાં પાણી ધૂસી જતાં વૃધ્ધાનું મૃત્યુ નિપજયું હતું. જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે વરસાદના બીજા રાઉન્ડમાં મેધરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી.સવારથી ભારે મેઘાડંબર વચ્ચે સવારે 7 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.પ્રથમ રાઉન્ડની જેમ બીજા રાઉન્ડમાં પણ મેઘરાજાએ ધ્રોલ પંથકમાં વિશેષ હેત વરસાવ્યું હતું.

જયારે છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યારે ડાંગમાં આવેલ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. આ ઉપરાંત અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે જેને જોવા લોકો ઉમટી પડ્યા હતાં. ડાંગ જિલ્લાના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ પણ કરી દીધા છે. નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામાં 24 કલાક માં 7 ઇંચ વરસાદ ખાબકતાં નવસારી જિલ્લા ની અંબિકા અને પૂર્ણાં નદી માં ઘોડાપુર આવવાની શકયતાઓના પગલે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નદી કાંઠા ના ગામો ને એલર્ટ કરવામા આવ્યા છે

રાજ્યમાં તોફાની વરસાદમાં વીજળી અને ઝાડ પડવાથી છ વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઈ બનાસનદી બે કાંઠે વહેતી થતાં સાબરમતી નદીના કિનારે આવેલા ૧૪ ગામ એલર્ટ કરાયાં છે. સાબરકાંઠાના પોશીનામાં ૩ ઈંચ, જ્યારે ઈડરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરિયામાં વીજળી પડતાં ૨૦ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં મધુડેમ છલકાતા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે. અંબિકા નદી કાંઠાના ગણદેવીના ૨૨ અને ચીખલી તાલુકાના ૧૦ ગામે એલર્ટ કરાયાં છે. અરવલ્લીના મેઘરજના સિસોદરામાં દીવાલ ધસી પડતાં એકનું મોત નિપજ્યું હતું. મહેસાણાના જીલોસણમાં વીજકરંટ લાગતાં મહિલાનું મોત નિપજ્યું હતું.