Not Set/ વડોદરા/  આટલા વિસ્તારમાં અશાંત ધારો અમલી, જાણો શું છે અશાંત ધારો…

  ગૃહ રાજ્યમંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના […]

Gujarat Vadodara
 

ગૃહ રાજ્યમંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે, સાથે-સાથે નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના બાપોદ, વારસીયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલી છે. આ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વધારો કરવાનો તથા હરણી પોલીસ સ્ટેશન હેઠળના તમામ વિસ્તારોમાં અશાંત ધારો  લાગુ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે

ગૃહ મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે રાજ્યમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સતત ચિંતા કરીને આ માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના આ વિસ્તારોમાં મળેલ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મહેસુલ મંત્રી  કૌશિકભાઈ પટેલ સાથે પણ જરૂરી પરામર્શ કર્યા બાદ આ અંગે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે

ગૃહ મંત્રી  જાડેજાએ ઉમેર્યું કે વડોદરા શહેરના બાપોદ, વારસીયા, કારેલીબાગ અને હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા રજુઆતો કરવામાં આવેલ હતી. આ સંદર્ભે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વડોદરા શહેરના પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટના હકારાત્મક અભિપ્રાય ધ્યાને લઇને આ વિસ્તારોમાં અશાંતધારો લાગુ પાડવા માટે રાજ્ય સરકારે આ અંગે  નિર્ણય લીધેલ છે. જેનું જાહેરનામું પણ પ્રસિધ્ધ કરી દેવાયુ છે.

જાડેજાએ ઉમેર્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરીકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. આ વિસ્તારોમાં હવેથી મિલકતનું વેચાણ કરતા અગાઉ વડોદરા- કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે .

શું છે અશાંત ધારો..?

અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.

જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.