રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મ ના બનાવોને અટકાવવા માટે રાજ્યની અદાલતો દ્વારા દોષિતોને કડકમાં કડક સજા ફટકારવામાં આવી રહી છે. જેથી કરીને બીજી કોઈ વ્યક્તિ દુષ્કર્મ તો દૂરની વાત છે મહિલાની સાથે છેડતી પણ ન કરી શકે. અમદાવાદની સેશન્સ કોર્ટે આરોપી વસીમ ખાન ઉર્ફે બાબા ખાનને દુષ્કર્મના ગુનામાં દોષિત જાહેર કરીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.વસીમ ખાન ઉર્ફે બાબા ખાને વર્ષ ૨૦૧૯માં અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકની હદમાં એક સગીરા સાથે તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંભોગ કરી લેતા આરોપીની સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો હતો.
કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ ભેગા કર્યા હતા. દોઢ વર્ષ સુધી સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં સરકારી વકીલ ભરત પટનીએ કરેલી દલીલો અને તેમના તરફથી રજૂ કરાયેલા પુરાવાને નામદાર સેશન્સ જજ ડી ડી ઠક્કરે માન્ય રાખીને આરોપી વસીમ ખાનને પોક્સો ના ગુનામાં દોષિત જાહેર કરીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
