Ahmedabad News: અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. વિદ્યાલયમાં (Sheth CN Vidyalaya) ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના (Teacher Allegedly Slaps Student) સામે આવી છે. આક્ષેપ મુજબ, શિક્ષક ઘનશ્યામસિંહ ડાભીએ વર્ગખંડમાં અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં વિદ્યાર્થીને છ જેટલા લાફા માર્યા હતા. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. વાલીની ફરિયાદ બાદ શાળાએ શિક્ષકને નોટિસ ફટકારી છે અને તપાસ કમિટીની રચના કરીને ખુલાસો માગ્યો છે. બીજી તરફ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ પણ શાળાને નોટિસ આપીને જવાબ માગ્યો છે.
Teacher Allegedly Slaps Student: વર્ગખંડમાં વિદ્યાર્થીને 6 લાફા માર્યાનો આક્ષેપ
મળતી માહિતી મુજબ, ગત 14 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ધોરણ 9નો વિદ્યાર્થી (Class 9 Student) વર્ગખંડમાં પહેલી બેન્ચ પર બેઠો હતો. આ દરમિયાન શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં તેને છ જેટલા લાફા માર્યા હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થી વર્ગખંડમાં અવાજ કરતો હોવાથી શિક્ષકે તેને માર માર્યો હોવાની વિગતો સામે આવી છે.
આ ઘટના બાદ શિક્ષકે વિદ્યાર્થીને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂક્યો હતો. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થી ઘરે પહોંચ્યો અને માતા-પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ વાલીએ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
વાલીએ DEO કચેરીમાં કરી રજૂઆત
વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને વાલીએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રજૂઆત કરી હતી. વાલીએ શિક્ષક ઘનશ્યામસિંહ ડાભી સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. ફરિયાદને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ શાળાને નોટિસ (Ahmedabad DEO Notice) ફટકારી હતી અને આચાર્ય પાસે સમગ્ર ઘટના અંગે ખુલાસો માગ્યો હતો. સાથે જ શિક્ષણ નિરીક્ષકને સ્થળ તપાસ કરીને ઘટનાની હકીકત જાણવા સૂચના આપવામાં આવી હતી.
શાળાએ શિક્ષકને નોટિસ ફટકારી, તપાસ કમિટી બનાવી
વાલીની રજૂઆત બાદ શેઠ સી.એન. વિદ્યાલયે પણ શિક્ષકને નોટિસ ફટકારી છે. શાળા દ્વારા સમગ્ર ઘટનાની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી ઘટનાના વિવિધ પાસાંની તપાસ કરી રહી છે.
શાળાએ શિક્ષક પાસે પણ ખુલાસો માગ્યો છે. શિક્ષક પોતાનો જવાબ રજૂ કર્યા બાદ તપાસ કમિટીના તારણોને આધારે શાળા આગળની કાર્યવાહી કરશે.
તપાસ રિપોર્ટ બાદ શિક્ષક સામે કાર્યવાહી થશે
હાલ શાળાની તપાસ કમિટી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, શિક્ષણ નિરીક્ષક પણ સ્થળ તપાસ કરીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રિપોર્ટ સોંપશે.
તપાસ રિપોર્ટ અને શિક્ષકના ખુલાસા બાદ શાળા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ મામલે તપાસ ચાલુ છે અને શિક્ષક સામેની કાર્યવાહી અંગેનો અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના વર્તનને લઈને DEOનો મોટો આદેશ: તમામ શાળામાં કાઉન્સેલિંગ, શિક્ષકોને ખાસ સૂચના
આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી તો ઉશ્કેરાયો વિદ્યાર્થી, સ્કૂલ બહાર ત્રણેયને માર માર્યાનો આરોપ
આ પણ વાંચો: વાવ-થરાદ વિસ્તારમાં શાળામાં વિવાદ: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર્યાનો આક્ષેપ
