Ahmedabad News: અમદાવાદ શહેરની અલગ-અલગ શાળાઓમાં છેલ્લા એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે જોડાયેલી ચાર ગંભીર ઘટનાઓ સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ (Ahmedabad DEO) સક્રિય બન્યો છે. વિદ્યાર્થીઓના વર્તનમાં કોઈ નકારાત્મક ફેરફાર જોવા મળે તો શરૂઆતથી જ તેની નોંધ લઈ જરૂરી પગલાં લેવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે.
શાળાઓમાં હવે માત્ર અભ્યાસ પર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક વર્તન, પરસ્પર વ્યવહાર અને સામાજિક વર્તન પર પણ ધ્યાન આપવા જણાવાયું છે. જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ (Student Counselling) કરવા ઉપરાંત શિક્ષકોને તેમની સાથે સતત સંવાદ જાળવવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
Ahmedabad DEO: બાપુનગરમાં વિદ્યાર્થિનીઓ સાથે મારામારીની ઘટના
બાપુનગરની જીવન સાધના સ્કૂલમાં ધોરણ-11ના એક વિદ્યાર્થીને કેટલીક વિદ્યાર્થિનીઓ વારંવાર સામે જોવાના મુદ્દે ટોકવામાં આવ્યો હતો. વિદ્યાર્થિનીઓએ આ અંગે શિક્ષકને પણ જાણ કરી હતી.
આ પછી સ્કૂલની બહાર વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થિનીઓ સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. ઘટનામાં બે વિદ્યાર્થિનીઓને ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલને વિદ્યાર્થીને એલસી આપી શાળામાંથી દૂર કર્યો હતો.
પાલડીની શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાલડીની શારદા મંદિર સ્કૂલમાં ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે એક વિદ્યાર્થિની સાથે વાતચીત કરવાના મુદ્દે વિવાદ થયો હતો. શાળામાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી.આ ઘટના બાદ શાળા સ્તરે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
મણિનગરની શાળામાં શિક્ષક સામે ગંભીર આક્ષેપ
મણિનગરની પ્રગતિ સ્કૂલમાં કોમ્પ્યુટર શિક્ષક સામે વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા મારફતે અભદ્ર સંદેશા મોકલવાનો આક્ષેપ થયો હતો. વિદ્યાર્થિનીએ આ અંગે તેના મિત્રને જાણ કર્યા બાદ તેણે શિક્ષકનો મોબાઇલ તપાસ્યો હતો.
પોલીસ અને શાળા સ્તરે મામલો પહોંચ્યા બાદ શાળા સંચાલને શિક્ષકને નોકરીમાંથી દૂર કર્યો હતો. સમગ્ર મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હોવાનું શિક્ષણ વિભાગે જણાવ્યું છે.
રામોલની શાળામાં ચિઠ્ઠીનો મામલો
રામોલ વિસ્તારમાં આવેલી બ્રાઇટ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ધોરણ-4ના એક વિદ્યાર્થીએ વર્ગની વિદ્યાર્થિનીને પ્રેમસંદેશ લખેલી ચિઠ્ઠી આપ્યાનો મામલો સામે આવ્યો હતો.ચિઠ્ઠીની જાણ થતાં શિક્ષિકા અને શાળા સંચાલને વિદ્યાર્થીને સમજાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીના વાલીએ શાળાના શિક્ષક અને આચાર્ય સામે બાળક સાથે મારપીટ કરવાનો આક્ષેપ કર્યો હતો અને રામોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શાળાએ સંબંધિત શિક્ષિકાને સસ્પેન્ડ કરી હતી.
ચાર ઘટનાઓ બાદ તમામ શાળાઓને સાવચેત રહેવા સૂચના
એક પછી એક સામે આવેલી ઘટનાઓને ધ્યાનમાં (Student Behaviour) રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને વિદ્યાર્થીઓના વર્તન પર વધુ નજર રાખવા જણાવ્યું છે.
શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે સતત સંવાદ કરવા, તેમના વર્તનમાં થતા ફેરફારોને સમજવા અને જરૂર જણાય ત્યારે કાઉન્સેલિંગ કરાવવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અંગે પણ શાળાઓએ ધ્યાન આપવું પડશે.
‘સારથી પ્રોજેક્ટ’ હેઠળ પણ તાલીમ અપાશે
શિક્ષણ વિભાગ દ્વારા ‘સારથી પ્રોજેક્ટ’ હેઠળ વિદ્યાર્થીઓના વર્તન અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં શિક્ષકોને પણ વિદ્યાર્થીઓમાં થતા વર્તનાત્મક ફેરફારો ઓળખવા અને યોગ્ય રીતે માર્ગદર્શન આપવા માટે તાલીમ આપવામાં આવશે.
વિભાગનું ધ્યાન ખાસ કરીને મોબાઇલના ઉપયોગ, ફિલ્મો અને અન્ય માધ્યમોના વિદ્યાર્થીઓના વર્તન પર પડતા પ્રભાવને સમજવા તથા જરૂરી માર્ગદર્શન આપવા તરફ પણ રહેશે.
DEOએ કહ્યું- વિદ્યાર્થીઓના બિહેવિયર પર ખાસ ફોકસ કરાશે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસમાં સામે આવેલી ત્રણથી ચાર ઘટનાઓ ચિંતાજનક છે. આવી ઘટનાઓ અંગે શાળાઓને તાત્કાલિક અહેવાલ આપવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
હવે તમામ શાળાઓને વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા તથા તેમના વર્તન પર ફોકસ કરીને કાઉન્સેલિંગ કરવા સૂચના આપવામાં આવી છે. જરૂરિયાત મુજબ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.
‘વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પોલીસને પણ જાણ કરાશે’
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં બનતી ગંભીર ઘટનાઓને માત્ર શાળાની આંતરિક બાબત તરીકે ન જોવામાં આવે અને જરૂરિયાત મુજબ પોલીસને પણ જાણ કરવામાં આવે.અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન ન થાય તે માટે શાળાઓએ સતર્ક રહેવું (Student Safety) પડશે. કોઈ વિદ્યાર્થીના વર્તનમાં અસામાન્ય ફેરફાર જોવા મળે તો શરૂઆતના તબક્કે જ સંવાદ અને કાઉન્સેલિંગ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, તાજેતરની ઘટનાઓમાં સંબંધિત શાળાઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો પણ શિક્ષણ વિભાગે ઉલ્લેખ કર્યો છે. હવે મુખ્ય ભાર આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે વિદ્યાર્થીઓ સાથે સતત સંવાદ અને કાઉન્સેલિંગ પર રહેશે.
આ પણ વાંચો: સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓને અમદાવાદ DEOનો કડક આદેશ, આ નિયમ તોડ્યો તો લેવાશે પગલાં
આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી તો ઉશ્કેરાયો વિદ્યાર્થી, સ્કૂલ બહાર ત્રણેયને માર માર્યાનો આરોપ
આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલમાં ક્રિકેટ મેદાનમાં મારામારી, સ્કૂલના ઝઘડાની અદાવતમાં હુમલો; ત્રણ સગીર સહિત પાંચ ઝડપાયા
