Botad Pickup Van Accident : બોટાદ જિલ્લાના મિલિટરી રોડ પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના સભ્યોથી ભરેલી પિકઅપ વાન અચાનક પલટી ખાઈ જતા બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત પરિવારના 16થી વધુ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત (Accident) ?
મળતી માહિતી મુજબ, બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતો એક પરિવાર પિકઅપ વાનમાં કોઈ સામાજિક કાર્યક્રમ અથવા જરૂરી કામ અર્થે બહારગામ જઈ રહ્યો હતો. વાન મિલિટરી રોડ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે પિકઅપ વાન જોરદાર રીતે પલટી મારી ગઈ હતી. વાન પલટી જતાં અંદર બેઠેલા મુસાફરો રસ્તા પર દૂર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા.

ઘટનાસ્થળે અફરાતફરી
અકસ્માત થતાં જ ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના સ્થાનિક લોકો તેમજ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
