Not Set/ ૧૮૯૩ના શિકાંગો અધિવેશનમાં સ્વામી વિવેકાનંદનું આ ભાષણ, જે સાંભળીને દુનિયા થઇ હતી ચકિત

સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ અમેરિકાના શિકાંગો ખાતે યોજાયેલા વિશ્વ ધર્મ સંમેલનમાં જે ભાષણ આપ્યું હતું, જેણે આજે ૧૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ભારતને જગાડનારા અને સમગ્ર વિશ્વને ચકિત કરનારા આ ભાષણમાં વિવેકાનંદના અલૌકિક વ્યક્તિત્વ, તેમના ભીષણ સંઘર્ષની અભિભૂતી દુનિયાને થઇ હતી. સ્વામીના ભાષણના ખાસ અંશો : હે અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે […]

India

સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ અમેરિકાના શિકાંગો ખાતે યોજાયેલા વિશ્વ ધર્મ સંમેલનમાં જે ભાષણ આપ્યું હતું, જેણે આજે ૧૨૪ વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ભારતને જગાડનારા અને સમગ્ર વિશ્વને ચકિત કરનારા આ ભાષણમાં વિવેકાનંદના અલૌકિક વ્યક્તિત્વ, તેમના ભીષણ સંઘર્ષની અભિભૂતી દુનિયાને થઇ હતી.

સ્વામીના ભાષણના ખાસ અંશો :

  • હે અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે જે સહૃદયતા અને પ્રેમથી અમારા સૌનું સ્વાગત કર્યું છે, તે જોઈને મારું હૃદય અપાર આનંદથી ઊભરાઈ રહ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન સંત પરંપરા વતી હું તમને અભિનંદન પાઠવું છું. તમામ ધર્મોની જનની તરફથી ધન્યવાદ પાઠવું છું અને તમામ સંપ્રદાયો અને મતોને કરોડો હિન્દુઓ વતી તમારો આભાર વ્યક્ત કરું છું. આ મંચ પરથી જે વક્તાઓએ એવું કહ્યું કે દુનિયામાં સહનશીલતાનો વિચાર દૂર-સુદૂરના પૂર્વના દેશોમાંથી આવ્યો છે, તેમને પણ મારા અભિનંદન પાઠવું છું. મને ગર્વ છે કે હું એક એવા ધર્મમાંથી આવું છું, જેણે સંસારને સહનશીલતા અને સાર્વભૌમિક સ્વીકૃતિનો બોધ આપ્યો. અમે તમામ ધર્મો પ્રત્યે માત્ર સહિષ્ણુતામાં જ વિશ્વાસ નથી રાખતા, પરંતુ સમસ્ત ધર્મોને સત્ય માનીને તેમનો સ્વીકાર પણ કરીએ છીએ.
  • મને ગર્વ છે કે હું એવા દેશનો વતની છું, જેણે પૃથ્વીના તમામ દેશો અને ધર્મોના પરેશાન અને પીડિત લોકોને શરણ આપ્યું છે. મને જણાવતા ગર્વ થાય છે કે, અમે હૃદયમાં એ ઇઝરાઇલીઓની પવિત્ર યાદગીરીઓ સાચવી રાખી છે, જેમણે દક્ષિણ ભારતમાં એ જ વર્ષે શરણ લીધી હતી, જે વર્ષે તેમનું પવિત્ર મંદિર રોમનોએ જમીનદોસ્ત કરી નાખ્યું હતું. મને ગર્વ છે કે હું એક એવા ધર્મનો ભાગ છું, જેણે મહાન પારસી ધર્મના લોકોને શરણ આપી અને જેનુ પાલન તે આજ દિન સુધી કરી રહ્યો છે.
  • ભાઈઓ, હું તમને એક સ્તોત્રની અમુક પંક્તિઓ સંભળાવું છું, જેને હું બાળપણથી બોલતો આવ્યો છું અને જેને દરરોજ કરોડો લોકો દોહરાવે છે, “જે રીતે અલગ અલગ સ્રોતોમાંથી નીકળતી વિવિધ નદીઓ આખરે દરિયાને જઈ મળે છે, એ જ રીતે હે પ્રભો! ભિન્ન ભિન્ન રુચિ અનુસાર વિવિધ આડાઅવળા અથવા સીધા રસ્તેથી જનારા લોકો આખરે તારામાં જ સમાઈ જાય છે.” આ સંમેલન આજ સુધી આયોજિત પવિત્ર સભાઓ પૈકી એક છે, ગીતામાં દર્શાવેલા સિદ્ધાંતોની સાબિતી છે,  “જે કોઈ મારા તરફ આવે છે, ભલે તે ગમે તેવો હોય, હું તેને પ્રાપ્ત થાઉં છું. લોકો ભલે કોઈ પણ માર્ગ અપનાવે, આખરે મારા સુધી પહોંચે જ છે.”
  • સાંપ્રદાયિકતા, હઠધર્મિતા અને તેના વંશજ જેવી ધર્માંધતા આ સુંદર પૃથ્વી પર ઘણો સમય રાજ ચલાવી ચૂકી છે. તેણે પૃથ્વીને હિંસા માટે પ્રેરી છે અને વારંવાર માનવતાના લોહીથી ખરડી છે, સભ્યતાઓનો ધ્વંસ કરી આખેઆખા દેશને નિરાશાની ખાઈમાં ધકેલ્યા છે. આ રાક્ષસ ન હોત, તો આજે માનવ સમાજ ક્યાંય વધારે વિકસિત હોય, પરંતુ હવે તેમનો સમય પૂરો થઈ ચૂક્યો છે. મને પૂરી આશા છે કે આ સંમેલનનો શંખનાદ તમામ ધર્માંધતાઓનો, તલવાર અથવા કલમ દ્વારા કરાતી તમામ પીડાઓનો તેમજ એક જ લક્ષ્ય તરફ દોડતા લોકોની પારસ્પરિક કટુતાઓનો મૃત્યુઘંટ સાબિત થશે