Sport News: ભારતીય ક્રિકેટ ટીમના વ્યસ્ત શેડ્યૂલ અને વર્કલોડ મેનેજમેન્ટ વચ્ચે ખેલાડી (Player)ઓની ઈન્જરીએ BCCIની ચિંતા વધારી છે. હાલ ટીમ ઈન્ડિયાના 13 મહત્વના ખેલાડીઓ ઈજાના કારણે મેદાનથી બહાર છે અને બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)માં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈન્જરી ક્રાઈસિસનો સામનો કરી રહી છે. વર્તમાન ટીમ સેટઅપ તેમજ ભવિષ્યના રોડમેપમાં સામેલ કુલ 13 ખેલાડીઓ એકસાથે ઈજાગ્રસ્ત થયા છે. BCCIની મેડિકલ ટીમ ખેલાડીઓની રિકવરી પર નજર રાખી રહી છે અને તેમને તબક્કાવાર મેદાન પર પરત લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કયા Player CoEમાં સારવાર લઈ રહ્યા છે?
શ્રીલંકા પ્રવાસ દરમિયાન પણ ઈજાના કારણે કેટલાક મહત્વના ખેલાડી (Team India)ઓ ટીમ સાથે ઉપલબ્ધ નથી. આ સ્થિતિએ ફરી એકવાર ભારતીય ક્રિકેટમાં સતત વધી રહેલા મેચ શેડ્યૂલ, ખેલાડીઓના વર્કલોડ અને ઈન્જરી મેનેજમેન્ટ અંગે સવાલો ઉભા કર્યા છે
મળતી માહિતી મુજબ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, નિતિશ કુમાર રેડ્ડી, સાઈ સુદર્શન, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદર સહિતના ખેલાડીઓ હાલમાં સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિહેબિલિટેશન કરી રહ્યા છે. આ ઉપરાંત આકાશદીપ, હિમાંશુ સિંહ, અશોક શર્મા, સુયશ શર્મા, યુદ્ધવીર સિંહ અને રિયાન પરાગ પણ ઈજાઓમાંથી સાજા થવાની પ્રક્રિયામાં છે.
કોને કઈ ઈજા થઈ છે?
જસપ્રીત બુમરાહ
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાંથી બહાર થયા બાદ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)30 જુલાઈએ CoE પહોંચ્યા હતા. તેમના ડાબા ઘૂંટણના સાંધામાં સમસ્યા જોવા મળી છે. આ કારણે તેઓ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. હાલ બુમરાહ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પર કામ કરી રહ્યા છે. તેમની મેદાન પર વાપસીની ચોક્કસ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ડાબી જાંઘના ક્વાડ્રિસેપ્સમાં ઈજા થઈ હતી. રિકવરી દરમિયાન તેમણે સ્કિલ-બેઝ્ડ પ્રેક્ટિસમાં સારો સુધારો દર્શાવ્યો હતો અને 80થી 90 ટકા ઝડપે બોલિંગ પણ કરી રહ્યા હતા. જોકે, આ દરમિયાન તેમના જમણા શિનમાં દુખાવો શરૂ થયો હતો. તપાસમાં કોઈ ગંભીર સમસ્યા સામે આવી નહોતી. સાવચેતીના ભાગરૂપે તેમની રનિંગ થોડા સમય માટે રોકવામાં આવી હતી, પરંતુ હવે તેમણે ફરી રનિંગ શરૂ કરી દીધી છે.
નિતિશ કુમાર રેડ્ડી
નિતિશ કુમાર રેડ્ડી ડાબી જાંઘની ઈજામાંથી ઝડપથી સાજા થઈ રહ્યા છે. તેઓ હવે રિટર્ન-ટુ-સ્કિલ્સ તબક્કામાં પહોંચી ગયા છે. છેલ્લા અઠવાડિયામાં તેમણે 16 ઓવર બોલિંગ કરી હતી. હવે તેઓ વધુ ઝડપથી દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેમની રિકવરી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
સાઈ સુદર્શન
સાઈ સુદર્શને બેટિંગ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. તેમણે નેટ્સમાં લગભગ 75 મિનિટ સુધી બેટિંગ કરી હતી અને રનિંગ પણ કરી હતી. જોકે, ઈજાગ્રસ્ત પગના અંગૂઠામાં હજુ પણ દુખાવો છે. બે દિવસના લાંબા બેટિંગ અને રનિંગ સેશન બાદ MRI સ્કેન દ્વારા તેમની આગળની રિકવરીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
હર્ષિત રાણા
હર્ષિત રાણા જમણી હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે. 20 જુલાઈએ તેઓ CoE પહોંચ્યા હતા. ત્યારથી તેમની રિકવરી પર કામ ચાલી રહ્યું છે. તેમની બોડી-વેઇટ મેનેજમેન્ટ અને રિકવરી સ્ટ્રેટેજીમાં સુધારો જોવા મળ્યો છે. હવે રિહેબની સાથે સ્કિલ-બેઝ્ડ ટ્રેનિંગ પણ શરૂ કરવામાં આવી રહી છે.
વોશિંગ્ટન સુંદર
વોશિંગ્ટન સુંદર પણ જમણી હેમસ્ટ્રિંગની ઈજાથી ઝઝૂમી રહ્યા છે. 20 જુલાઈએ CoE પહોંચ્યા બાદ તેમણે જોગિંગ શરૂ કરી છે. હાલ તેઓ કન્ડિશનિંગ એક્સરસાઇઝ કરી રહ્યા છે. તેમની સ્ટ્રેન્થ અને બેલેન્સમાં સુધારો જોવા મળ્યો છે. આગામી અઠવાડિયામાં ધીમે ધીમે વર્કલોડ વધારીને તેમને મેદાન પર પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
વરુણ ચક્રવર્તી
વરુણ ચક્રવર્તીની ડાબી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. આગામી અઠવાડિયામાં તેમની રિકવરી દરમિયાન ઝડપી રનિંગ, અચાનક દિશા બદલવાની પ્રેક્ટિસ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવામાં આવશે. હાલ તેઓ સ્પોટ બોલિંગમાં 6 ઓવર સુધી બોલિંગ કરી રહ્યા છે. આગામી સેશનથી બેટ્સમેનો સામે 8 ઓવર બોલિંગ કરાવવાની યોજના છે.
આકાશદીપ
આકાશદીપને પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે મેદાનથી દૂર થયા હતા. જોકે, તેમના રિટર્ન-ટુ-પ્લે પ્રોગ્રામમાં સારો પ્રતિસાદ જોવા મળ્યો છે. તેઓ શરૂઆતના રિહેબ તબક્કામાંથી બહાર આવી હવે વાસ્તવિક ક્રિકેટ વર્કલોડ તરફ આગળ વધી રહ્યા છે.
હિમાંશુ સિંહ
મુંબઈના ઝડપી બોલર હિમાંશુ સિંહ જમણા ઘૂંટણની ઈજાને કારણે CoEમાં છે. 28 જુલાઈથી તેમણે સ્પોટ બોલિંગ શરૂ કરી હતી અને આ દરમિયાન તેમને કોઈ ખાસ મુશ્કેલી થઈ નહોતી. હવે આગામી અઠવાડિયામાં તેમની બોલિંગ અને ઓવરઓલ ટ્રેનિંગ લોડ ધીમે ધીમે વધારવામાં આવશે.
અશોક શર્મા
13 ખેલાડીઓમાં અશોક શર્માની ઈજા સૌથી ગંભીર માનવામાં આવી રહી છે. 26 જુલાઈએ ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચ બાદ તેમને પીઠના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો અને ખેંચાણ અનુભવાયું હતું. તેમના MRI અને CT સ્કેનના રિપોર્ટ ન્યૂઝીલેન્ડના સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉ. રોવનને મોકલવામાં આવ્યા હતા. તપાસમાં L1 pars interarticularisમાં એક્યુટ સ્ટ્રેસ ફ્રેક્ચર તેમજ ડાબી 11મી પાંસળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે.
સુયશ શર્મા
છેલ્લી IPL સિઝન બાદથી બોલિંગ ન કરી રહેલા સુયશ શર્માના બંને ઘૂંટણમાં ‘પટેલર ઇન્સર્શનલ ટેન્ડિનોપેથી’ જોવા મળી હતી. પ્રારંભિક સારવારથી પૂરતો ફાયદો ન મળતા 28 જુલાઈએ તેમને PRP ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. હાલમાં તેઓ સ્ટ્રક્ચર્ડ રિહેબમાંથી પસાર થઈ રહ્યા છે અને ઘૂંટણની મજબૂતી વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
યુદ્ધવીર સિંહ
યુદ્ધવીર સિંહના જમણા ખભાની સમસ્યામાં હવે નોંધપાત્ર ઘટાડો થયો છે. તેઓ સમગ્ર શરીરની સ્ટ્રેન્થ ટ્રેનિંગ સાથે ખભા માટે રિહેબ એક્સરસાઇઝ કરી રહ્યા છે. જોકે, તેમને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરવામાં હજુ થોડો સમય લાગી શકે છે.
રિયાન પરાગ
રિયાન પરાગ જમણા ખભાની સર્જરી બાદ રિકવરી કરી રહ્યા છે. તેમણે સ્ટ્રક્ચર્ડ સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. જોકે, બેટિંગ અથવા બોલિંગ ક્યારે શરૂ કરી શકશે તેની હજુ કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
એકસાથે 13 ખેલાડીઓની ઈજાએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાના 13 ખેલાડીઓનું એકસાથે ઈજાગ્રસ્ત થવું ભારતીય ક્રિકેટ માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને બુમરાહ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર અને વરુણ ચક્રવર્તી જેવા મહત્વના ખેલાડીઓની ગેરહાજરી ટીમના સંતુલનને અસર કરી શકે છે. હાલ BCCIની મેડિકલ અને સપોર્ટ ટીમનું મુખ્ય ધ્યાન ખેલાડીઓને સંપૂર્ણપણે ફિટ કરીને મેદાન પર પરત લાવવાનું છે. જોકે, ખેલાડીઓની ઈજાઓની સંખ્યા જોતા આગામી સમયમાં વર્કલોડ મેનેજમેન્ટ અને શેડ્યૂલ પર પણ ફરી ચર્ચા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: શું મુંબઈ ઇન્ડિયન્સ છોડીને KKRમાં જોડાશે હાર્દિક પંડ્યા ? 25 કરોડની ડીલ અને કેપ્ટનશિપની ચર્ચાએ પકડ્યો જોર
આ પણ વાંચો: મારા પતિ સિવાય બધા Team Indiaના ખેલાડીઓ… રીવાબા જાડેજાના આ નિવેદનથી ક્રિકેટ જગતમાં ભૂકંપ!
આ પણ વાંચો: બાર્બાડોસથી દિલ્હી પંહોચેલ Team Indiaનું કરાયું ઢોલ નગારાથી જોરદાર સ્વાગત, જુઓ વીડિયો
