Canada News: કેનાડામાં ઈમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવવાની પ્રક્રિયા વચ્ચે ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન (Canada Deportation)નો આંકડો ચર્ચામાં આવ્યો છે. 2026ના પ્રથમ છ મહિનામાં કેનેડામાંથી 3,323 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા હોવાનો દાવો સરકારી આંકડાઓના આધારે કરવામાં આવ્યો છે. જો આ જ ગતિ ચાલુ રહી તો આ વર્ષનો આંકડો અગાઉના અનેક વર્ષોના રેકોર્ડને વટાવી શકે છે.
કેનાડા બોર્ડર સર્વિસિસ એજન્સી (CBSA)ના આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે કેનેડાની સરકાર દેશમાં રહેલા અસ્થાયી રહેવાસીઓની સંખ્યા ઘટાડવા અને ઈમિગ્રેશન સિસ્ટમને વધુ કડક બનાવવાની દિશામાં પગલાં લઈ રહી છે. તેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી ફોરેન વર્કર્સનો પણ સમાવેશ થાય છે.
6 મહિનામાં 3,323 ભારતીયોનો દેશનિકાલ
2026ના પ્રથમ છ મહિનામાં કેનેડાથી દેશનિકાલ (Canada Deportation) કરાયેલા લોકોમાં ભારતીય નાગરિકોની સંખ્યા સૌથી વધુ હોવાનું જણાવાયું છે. આ સમયગાળા દરમિયાન 3,323 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા, જ્યારે મેક્સિકોના 1,573 નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા.
છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોવામાં આવે તો મેક્સિકો સતત કેનેડાથી ડિપોર્ટ (Canada Deportation) કરાયેલા નાગરિકોની સંખ્યામાં આગળ રહ્યું હતું. ભારત આ સમયગાળા દરમિયાન બીજા ક્રમે રહ્યું હતું.ભારત અગાઉ 2020માં આ યાદીમાં પ્રથમ સ્થાને આવ્યું હતું. તે વર્ષે 1,424 ભારતીય નાગરિકોને કેનેડામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.
Canada Deportation: દર વર્ષે વધતો ગયો ડિપોર્ટેશનનો આંકડો
ઉપલબ્ધ CBSAના આંકડા મુજબ ભારતીય નાગરિકોના દેશનિકાલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો જોવા મળ્યો છે.
2020: 1,424 ભારતીયો
2021: 603 ભારતીયો
2022: 786 ભારતીયો
2023: 1,132 ભારતીયો
2024: 2,004 ભારતીયો
2026ના પ્રથમ 6 મહિના: 3,323 ભારતીયો
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે 2024ની સરખામણીએ 2026ના માત્ર પ્રથમ છ મહિનામાં જ ડિપોર્ટેશનની સંખ્યા નોંધપાત્ર રીતે વધી ગઈ છે.
કયા કારણોસર ભારતીયોને કેનેડાથી ડિપોર્ટ કરવામાં આવે છે?
કેનેડામાં કોઈ વિદેશી નાગરિકને દેશનિકાલ (Canada Deportation)નો સામનો વિવિધ ઈમિગ્રેશન નિયમોના ભંગના કારણે કરવો પડી શકે છે. તેમાં મુખ્યત્વે વિઝાની સમયમર્યાદા પૂરી થયા બાદ પણ દેશમાં રહેવું, રિફ્યુજી અથવા શરણ માટે કરેલો દાવો ફગાવી દેવામાં આવવો, ઈમિગ્રેશનના નિયમોનું પાલન ન કરવું અને વિઝા અથવા ઈમિગ્રેશન સંબંધિત છેતરપિંડી જેવા કારણો સામેલ હોઈ શકે છે.
જોકે, અહીં મહત્વની બાબત એ છે કે CBSA દેશનિકાલના કારણો અંગે અલગ ડેટા જાળવે છે, પરંતુ દરેક કારણ સાથે કયા દેશના કેટલા નાગરિકો સામેલ છે તેની વિગતવાર રાષ્ટ્રીયતા આધારિત માહિતી ઉપલબ્ધ કરાવતી નથી.આથી 3,323 ભારતીયોના ડિપોર્ટેશન પાછળ ચોક્કસ કેટલા લોકો કયા કારણસર દેશનિકાલ થયા તે જાહેર આંકડાથી નક્કી કરી શકાય તેમ નથી.
7,669 લોકો પર પણ ડિપોર્ટેશનની કાર્યવાહી?
સરકારી આંકડાઓ અનુસાર કેનેડામાં દેશનિકાલ (Canada Deportation)ની પ્રક્રિયા હેઠળ રહેલા લોકોમાં ભારતીય નાગરિકોની સંખ્યા પણ મોટી હોવાનું સામે આવ્યું છે. ઉપલબ્ધ માહિતી પ્રમાણે આગામી સમયમાં 7,669 જેટલા વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.આ સ્થિતિ કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, વર્ક પરમિટ ધારકો અને અન્ય અસ્થાયી રહેવાસીઓ માટે ઈમિગ્રેશન નિયમોનું કડક પાલન કરવાનું મહત્વ વધુ વધારી દે છે.
કેનેડા કેમ કડક બની રહ્યું છે?
કેનેડા છેલ્લા કેટલાક સમયથી દેશમાં અસ્થાયી રહેવાસીઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે પોતાની ઈમિગ્રેશન નીતિમાં ફેરફાર કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, અસ્થાયી કામદારો અને અન્ય ટેમ્પરરી રેસિડન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.આ જ કડક નીતિ અને ઈમિગ્રેશન નિયમોના અમલની વચ્ચે ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનમાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો:‘કૃપા કરીને મદદ કરો!’ પનામાની હોટલમાં ભારતીયો સહિત 300 લોકો કેદ, બારીઓ પર પોસ્ટર લાગ્યા
આ પણ વાંચો:અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ ત્રીજી ફલાઈટમાં પરત ફર્યા
