જસદણ,
જસદણ પેટાચૂંટણી આડે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે સાંજે એટલે કે મંગળવારે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. આ પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ ચૂંટણી જીતવી તેમના બંન્ને માટે પ્રતિષ્ઠાની જંગ જેવું જ છે. ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટા ચૂંટણી માટે તારીખ 20મી ડિસેમ્બરે મતદાન થવાનું છે.
કોંગ્રેસ અને ભાજપ બંન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.
હાલ તો જસદણની પેટાચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બંન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે જો છેલ્લી બે ચૂંટણીનાં પરિણામની વાત કરીએ તો માત્ર 5થી 6 ટકા મતોનાં માર્જીનથી જ હાર જીત થઇ છે.
વાત કરીએ 2017ની ચૂંટણીની તો કોંગ્રેસનાં ઉમેદવાર કુંવરજી બાવળીયા 5.52 ટકા એટલે 9,277 મતોથી જ જીત થઈ હતી. તે પહેલા 2012માં ભાજપના ઉમેદવારને 40.88 ટકા મતો મળ્યા અને 47.48 ટકા મતો મેળવીને કોંગી ઉમેદવારનો વિજય થયો હતો. એટલે કે જીતનારને 6.6 ટકા મતો વધુ મળ્યા હતા.
નોંધનીય છે કે વર્ષ 1967 માં સ્વ. પાર્ટી શિવકુમાર ખાચર માત્ર 67 મતોનાં માર્જીનથી જીત્યા હતાં. તેમની સામે કોંગ્રેસનાં પ્રભાતગીરી ગોસાઇ લડી રહ્યાં હતાં. જ્યારે વર્ષ 2007માં કોંગી ઉમેદવારને કુંવરજી બાવળિયા 25000થી વધુ મતોથી જીત્યા હતાં. તેમની સામે ભાજપનાં પોપટભાઇ રાજપરા હતાં. નોંધનીય છે કે કુંવરજી બાવળિયા અત્યાર સુધી કોંગ્રેસમાંથી પાંચ ચૂંટણી જીતી ગયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપને આ પૂર્વે કોંગ્રેસનાં કોળી નેતા ફળે છે કે નહીં.
