ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના લીઘે ભારે તારાજીનો સામનો લોકોને કરવો પડ્યો છે. માલહાનિ સાથે જાનહાનિના સમાચાર પણ સામે આવી રહ્યા છે. મૂશળધાર વરસાદના લીઘે યુપીમાં બે ભાઇઓ સહિત 19 લોકોના મોત નિપજયા છે.વરસાદી આફતના લીઘે મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત કાર્ય ઝડપથી શરૂ કરવા સૂચના આપી છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે.
રવિવારે ભારે વરસાદ આખી રાત ચાલુ રહ્યો હતો. સોમવારે પણ સમગ્ર રાજ્યમાં દિવસભર વરસાદની અસર રહી હતી. ખાસ કરીને શહેરોમાં એટલો બધો જળબંબાકાર થયો હતો કે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. અનેક જિલ્લાઓમાં રસ્તાઓને નુકસાન થયું છે. રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે 13, વીજળી પડવાથી 4 અને ડૂબી જવાથી બે લોકોના મોત થયા છે. કન્નૌજમાં વરસાદને કારણે ઘર ધરાશાયી થતાં અવનીશ (15) અને તેના ભાઈ આલોક (12)નું મૃત્યુ થયું હતું.
રાહત કમિશનર જીએસ નવીન કુમારના જણાવ્યા અનુસાર, હરદોઈમાં ચાર, બારાબંકીમાં ત્રણ, પ્રતાપગઢ અને કન્નૌજમાં બે-બે, અમેઠી, દેવરિયા, જાલૌન, કાનપુર નગર, ઉન્નાવ, સંભલ, રામપુર અને મુઝફ્ફરનગરમાં એક-એક લોકોના મોત થયા છે. જો કે શરૂઆતનો વરસાદ પાક માટે સાનુકૂળ રહ્યો હતો પરંતુ હવે વધુ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવા લાગ્યા છે. જેના કારણે પાકને નુકસાન થશે. બીજી તરફ ભારે વરસાદને કારણે સોમવારે સવારે જ વિવિધ જિલ્લાઓની શાળાઓમાં ઉતાવળે રજા જાહેર કરવામાં આવી હતી. મંગળવારે પણ ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તમામ જિલ્લાના અધિકારીઓએ પુરી તત્પરતા સાથે રાહત કાર્યમાં સામેલ થવું પડશે. ડીએમએ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને રાહત કાર્ય પર નજર રાખવી જોઈએ. આપત્તિથી અસરગ્રસ્ત લોકોને અનુમતિપાત્ર રાહત રકમનું તાત્કાલિક વિતરણ કરો. પાણી ભરાઈ જવાના કિસ્સામાં, ડ્રેનેજ માટે અસરકારક વ્યવસ્થા કરવી જોઈએ. નદીઓના પાણીના સ્તર પર નજર રાખવી જોઈએ. પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવું જોઈએ અને તેનો અહેવાલ સરકારને ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી અસરગ્રસ્ત ખેડૂતોને નિયમ મુજબ વળતર આપવામાં આવે.
