Surat News : સુરતના ઓલપાડ તાલુકાના સોંદામીઠા તેમજ વડોદ ગામની સમરસ ગ્રા.પં. ની 2 મહિલા સરપંચોને આગામી તા.૨૬ મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી ખાતે યોજાનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના પગલે સુરત સહિત ઓલપાડ તાલુકાના ગૌરવમાં વધારો થતાં બંન્ને મહિલા સરપંચ અભિનંદનને પાત્ર બની છે.
ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગ્રા.પં.માં સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોર અને વડોદ ગ્રા.પં.માં શિતલબેન આશિષ દેસાઈ બંન્ને સમરસ મહિલા સરપંચો ગ્રા.પં.માં સુંદર વહીવટ કરી રહી છે. આ બંન્ને ગામોમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. જો કે આ સમસ્યા નિવારવા સરકારની વાસ્મો અંતર્ગત ‘જલ સે નલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજુર થતાં આ બંન્ને સરપંચોએ સુંદર કામગીરી બજાવી ગામના લોકોના ઘર સુધી નળ દ્વારા દિવસ દરમ્યાન પાણી પહોંચાડવામાં સફળ થઈ હતી. જે વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય અને દિલ્હીની કેન્દ્ર સરકારે લઈ આ સુંદર કામગીરી બદલ બંન્ને સમરસ મહિલા સરપંચોને આગામી તા.૨૬ મી જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિનની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝીટ તરીકે હાજર રહેવા નિમંત્રણ મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,આ સમારોહમાં હાજર રહેવા ગુ.રા.ના માત્ર ૪ જિલ્લાઓ કચ્છ,અમદાવાદ, નવસારી અને સુરત જિલ્લાની મહિલા સરપંચો પૈકી ઓલપાડ તાલુકાની ૨ ગામની મહિલાઓને જલશક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી આમંત્રણ મળ્યું છે.આ બંન્ને મહિલા સરપંચોએ ગ્રામજનોને પીવાના પાણી માટે કરેલ કામગીરીની નોંધ છેક દિલ્હી સુધી લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,કેન્દ્ર સરકારના જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય સહિત રાજ્યમંત્રી મુકેશ પટેલનો ગ્રામજનો વતી આભાર માની આવનારા દિવસોમાં પણ આ યોજનાને વધુ ગતિશીલ બનાવવાની ખાત્રી આપી હતી.
સોંદામીઠા ગામની સરપંચ દિક્ષા પૃથ્વીરાજ સિંહ ઠાકોરે કહ્યું કે, રાજ્યમાં પંચાયતી રાજના અમલ પછી મારા ગામમાં માત્ર એક જ વખતની ગ્રા.પં.ની ચૂંટણીને બાદ કરી દરેક ચૂંટણીઓ સમરસ થઈ છે. જયારે હાલમાં અમારી ગ્રા.પં.ની બોડીમાં તમામ વોર્ડમાં મહિલાઓ સમરસ થઈ હતી. આ ઉપરાંત મારા પ્રમુખપદે કાર્યરત ગામની પાણી સમિતિમાં પણ તમામ મહિલાઓ સંચાલન કરી રહી છે. તેમણે વધુ કહ્યું કે, આ અગાઉ અમારી ગ્રા.પં.ને રાજ્ય સરકાર તરફથી સમરસ ગ્રા.પં. તથા ‘નલ સે જલ ‘ યોજનાની સુંદર કામગીરી બદલ એવોર્ડ મળી ચુક્યો છે.
વડોદ ગામની મહિલા સરપંચ શિતલ દેસાઈએ કહ્યું કે, ૭૦૦ થી વધુ માનવવસ્તી ધરાવતા અમારા સમરસ ગામમાં પીવાના પાણીની જટીલ સમસ્યા હતી.પહેલા ગામના લોકો વાવના પાણીનો ઉપયોગ કરતાં હતાં. પરંતુ મંત્રી મુકેશભાઈના સહયોગથી ‘નલ સે જલ’ યોજનામાંથી રૂ.૧૬ લાખની ગ્રાન્ટ મંજુર થતાં આજે લોકોના ઘર સુધી ઓટોમેટિક મશીન દ્વારા રોજ 3 વખત નળ દ્વારા પાણી પહોંચી રહ્યું છે.
@ મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ
આ પણ વાંચો: જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ લગાવેલા આક્ષેપને ભાજપ મંત્રીએ ફગાવ્યો
