Ahmedabad News : અમદાવાદમાં 20 વર્ષ પહેલા જ્યાં સ્કૂલ બની હતી તે જગ્યા હાઉસિંગ બોર્ડની હોવાનું બહાર આવ્યું છે. આમ 20 વર્ષ બાદ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. આમ ગુજરાતમાં તંત્રની બેદરકારીના કારણે અનેકો બાળકોનું ભવિષ્ય જોખમાયું છે. 20 વર્ષથી જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, તે શાળાને 30 દિવસમાં ખાલી કરવા હાઉસિંગ બોર્ડે નોટિસ ફટકારી છે. નવાઈની વાત તો એ છે કે, હાઉસિંગ બોર્ડને એકાએક આવી એક નહીં પરંતુ ત્રણ શાળાઓ ધ્યાને આવી, જેણે હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદેસર રીતે શાળા બનાવી છે. હાઉસિંગ બોર્ડે બાપુનગરની આવી ત્રણ શાળાઓને 30 દિવસમાં શાળા ખાલી કરવાની નોટિસ આપી ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
હાઉસિંગ બોર્ડ દ્વારા બાપુનગરમાં પોતાની જગ્યા પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં બાપુનગરની ત્રણ શાળાઓ એ. બી. વિદ્યાલય, ખ્યાતિ પ્રિ સ્કૂલ અને ટાઇની ટોયસને હાઉસિંગ બોર્ડે 30 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. તેમજ આ જગ્યાએ બનાવવામાં આવેલી શાળાની બિલ્ડીંગને પણ તોડી પાડવાનો આદેશ અપાયો છે. નોંધનીય છે કે, એ બી વિદ્યાલયમાં આશરે 450થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે 30 દિવસમાં શાળા ખાલી કરવાના આદેશને લઈને બાળકો અધવચ્ચે ક્યાં અભ્યાસ માટે જશે ? હાઉસિંગ બોર્ડના સફાળા જાગીને લેવામાં આવેલા આ નિર્ણયના કારણે 450થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. આ સિવાય અન્ય બે પ્રિ-સ્કૂલમાં પણ નાના ભૂલકાંઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.
આ વિશે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, અમને મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું છે કે, ત્રણ શાળાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે. હાઉસિંગ બોર્ડે નોટિસમાં લખ્યું છે કે, હાઉસિંગની જગ્યાએ શાળાઓનું બાંધકામ થયું હોવાથી તેમને નોટિસ આપવામાં આવી છે. પરંતુ આ પ્રકારની કોઈ નોટિસ કે જાણકારી અત્રેની કચેરીને આપવામાં નથી આવી. અત્રેની કચેરીને જો આ પ્રકારની કોઈ માહિતી આપવામાં આવશે, તો અમે એ પ્રકારે વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા સંબંધિત જે કોઈ કાર્યવાહી કરવાની થશે તે કરીશું. જેના કારણે બાળકોનું ભવિષ્ય ન બગડે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, હાઉસિંગ બોર્ડ દ્વારા સત્રની અધવચ્ચે આવો એકાએક નિર્ણય કેમ લીધો? અને જો આ શાળા હાઉસિંગની જગ્યાએ બનાવવામાં આવી રહી હતી તો જ્યારે શાળા બની ત્યારે જ નોટિસ આપીને રોકવામાં કેમ ન આવ્યું? તેમજ શિક્ષણ વિભાગને સાથે લઈ તંત્રએ કામ કેમ ન કર્યું? આ તમામ જે વિદ્યાર્થીઓનું ભણતર બગડશે તેની જવાબદારી કોણ લેશે? હાઉસિંગ બોર્ડની આ એક નોટિસના કારણે અનેક સવાલ ઊભા થયા છે, જેના જવાબ પર અનેક બાળકોનું ભવિષ્ય ટકેલું છે.
આ પણ વાંચો: કેનેડાના Visaનો ક્રેઝ છતાં હજી પણ ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકાની બોલબાલા
આ પણ વાંચો: ભારત સરકાર અફઘાનિસ્તાનથી આવેલા નાગરિકોને આપશે Stay Visa
આ પણ વાંચો: ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા