કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પર વિશ્વ બેન્કે પાકિસ્તાનને જાટકો આપ્યો છે. વિશ્વ બેન્કે પાકિસ્તાનને ભારતનો પ્રસ્તાવ માનવા માટે કહ્યું છે. એક પાકિસ્તાની અખબાર મુજબ વિશ્વ બેન્કે લગભગ બે વર્ષ બાદ તટસ્થ વિશેષજ્ઞની નિયુક્તિ કરવાના ભારતના પ્રસ્તાવ પર સહમતી દર્શાવી છે, જયારે પાકિસ્તાન આ મામલાને આંતરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માંગે છે. આ પ્રોજેક્ટ હેઠળ જેલમ નદીની સહાયક કિશનગંગા પર બંધ બનાવવાનો પ્રસ્તાવ પણ શામેલ છે.
19 મે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. વર્ષ 2003માં આ પ્રોજેક્ટ શરુ થયો હતો, અને પાકિસ્તાન શરૂઆતથી જ આ પ્રોજેક્ટ પર સમસ્યા હતી. પાકિસ્તાનનો આરોપ હતો કે આ પ્રોજેક્ટ બંને દેશો વચ્ચે થયેલી સિંધુ જળ સંધીનું ઉલ્લંઘન છે, આ સંધી મુજબ નદીઓનું પાણી બંને દેશો વચ્ચે બરાબર વિભાજીત કરવાનું નક્કી થયું હતું. ભારતનું કહેવાનું હતું કે પ્રોજેક્ટ સંધી નિયમો મુજબ જ છે.

પાકિસ્તાને પોતાના એટર્ની જનરલ અશ્તર ઔસફ અલીની આગેવાનીમાં વિશ્વ બેંક સાથે વાત કરવા એક પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. પાકિસ્તાની મિડિયા મુજબ વિશ્વ બેંકના આ ફેસલાને પાકિસ્તાન માનશે નહિ, કારણકે આનાથી પાણી સાથે જોડાયેલા બીજા વિવાદોને પણ અસર પડશે, જે પાકિસ્તાન માટે વધારે મહત્વના છે.
સિંધુ જળ સંધીથી ભારતને બ્યાસ, રાવી તથા સતલજ અને પાકિસ્તાનને સિંધુ, ચિનાબ તથા જેલમ નદીના પાણીનું નિયંત્રણ મળે છે. ભારતનું કહેવાનું છે કે કિશનગંગા પ્રોજેક્ટમાં પાણીને રોકવામાં નહિ આવે કે ના તો પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે. જયારે પાકિસ્તાનનું કહેવાનું છે કે આ પ્રોજેક્ટ સંધિના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
