Surendranagar News : ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડા વિસ્તારમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદે મીઠા ઉદ્યોગ (Salt Industry)ને મોટો આર્થિક ફટકો પહોંચાડ્યો છે. અત્યાર સુધીમાં આશરે 21 ઇંચ (523 મિ.મી.) વરસાદ નોંધાતા ખુલ્લામાં સંગ્રહ કરાયેલ અંદાજે 20 ટકા મીઠું (Salt)ધોવાઈ ગયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. તેના કારણે લાખો મેટ્રિક ટન મીઠાના જથ્થા પર સીધી અસર પડી છે.
આ વિસ્તારમાં આશરે 2,000 અગરિયા પરિવારો મીઠા (Salt)ના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. સામાન્ય રીતે દર વર્ષે અહીં 10થી 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન (Salt Production)થાય છે, પરંતુ આ વર્ષે અનુકૂળ પરિસ્થિતિને કારણે વિક્રમજનક 15 લાખ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું. ઉત્પાદન બાદ મીઠાનો જથ્થો ખુલ્લામાં સંગ્રહ કરવામાં આવ્યો હતો, જ્યાંથી વર્ષભર રેલવે અને ટ્રકો મારફતે દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન ખુલ્લામાં રહેલા મીઠામાં અંદાજે 10 ટકા જેટલો ઘટાડો થવો સામાન્ય માનવામાં આવે છે. જોકે, આ વર્ષે પડેલા અસામાન્ય વરસાદના કારણે ઘટાડો બમણો થઈ 20 ટકા સુધી પહોંચી ગયો છે. જેના કારણે મીઠાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ખારાઘોડાના મીઠા વેપારી હિંગોરભાઈ રબારીએ જણાવ્યું કે, માત્ર બે દિવસમાં જ પાટડી વિસ્તારમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો અને સમગ્ર સિઝનમાં કુલ 21 ઇંચ વરસાદ પડતાં ખુલ્લામાં રહેલું મીઠું મોટા પ્રમાણમાં ધોવાઈ ગયું છે. હાલ વેપારીઓ માટે સ્થિતિ ચિંતાજનક બની છે.
અન્ય વેપારી દશરથભાઈ મંત્રીએ જણાવ્યું કે, સામાન્ય વર્ષોમાં 10 ટકા સુધીનું નુકસાન સહન કરી શકાય છે, પરંતુ આ વર્ષે થયેલા 20 ટકા નુકસાનથી સમગ્ર મીઠા ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો નુકસાનમાં વધુ વધારો થવાની શક્યતા છે.
મીઠા ઉદ્યોગ (Salt Industry)ગુજરાતના મહત્વના પરંપરાગત ઉદ્યોગોમાંનો એક છે અને ખારાઘોડા વિસ્તાર દેશના મુખ્ય મીઠા ઉત્પાદન કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ સ્થિતિથી સ્થાનિક વેપારીઓ ઉપરાંત અગરિયા પરિવારોની આવક પર પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
