ટિફિન? આ શબ્દ ગુજરાતના દરેક નાગરિકે અવશ્યપણે સાંભળ્યો હશે અને જેને ન સાંભળ્યો હોય એને કોરોનાકાળમાં તો અવશ્યપણે સાંભળ્યો જ હશે અને મંગાવ્યા પણ હશે જ ! ટિફિન શબ્દ સાથે ઘણીબધી યાદો જોડાયેલી છે. મારા મમ્મી છેલ્લા 28 વર્ષથી રોજ ટિફિન બનાવે છે. સવારે પહેલા પપ્પાનું ટિફિન બનતું ત્યારબાદ હું અને બહેન નોકરી કરતાં થયા એટલે અમારું સવારમાં ટિફિન બની જાય! આજની તારીખેય એ પરંપરા તૂટી નથી પરંતુ આ બધાની વચ્ચે જો ટિફિનમાં ભરેલા શાકમાં મીઠું વધારે પડી ગયું હોય, શાકમાં મીઠું ભૂલી ગયા હોય કે ક્યાંક રોટલી કે ભાખરી કાચી બની ગઈ હોય તો સીધો જ ઠપકો આપવા માંડીએ છીએ કે મમ્મી, તને ખબર નથી પડતી? મમ્મી ક્યારેક થાકી પણ જાય, લો બીપી પણ થઇ જાય તોયે બાળકો માટે પણ તેની મમતા અનોખી જ હોય ! સવારે શું ટિફિન બનાવીશું એની તૈયારી એ રાત્રે કરી લે, શાક સમારવાથી માંડીને સવારે કઈક ટિફિનમાં સ્પેશિયલ આપવાનું હોય ત્યાં સુધી ! પણ આ બધાની વચ્ચે આપણે ક્યાંક ટિફિન બનાવનારી વ્યક્તિ “મા”ને ભૂલી જતા હોઈએ છે. ગમે તેટલા વરસાદમાં, ઠંડીમાં કે ભર વરાળોની ગરમીમાં એ શેકાય છે અને બનાવે છે ટિફિન અને આ સિવાય પણ ઘરના બીજા કામો તો ખરા જ કે જે ક્યારેય પૂરા ન થાય !
ફિલ્મ જોતી વેળાએ મને એ દિવસો યાદ આવી ગયા કે જયારે મારા મમ્મી પણ વિશી ચલાવતાં, કોઈક રત્ન કલાકાર જમવા ન આવી શકે તો ત્યાં ટિફિન આપવા જવાનું, કોઈકને મિષ્ટાન ખાવાની ઈચ્છા થઇ હોય તો પણ તે વ્યક્ત કરે અને એ અરસામાં તો મમ્મીએ રવિવારે સવારે એક ફરસાણ અને એક મીઠાઈ આપવાનું નક્કી કરેલું!
ખેર, મૂળ વાત પર આવીએ તો ફિલ્મની વાર્તા પણ આવી જ કઈક છે, ફિલ્મમાં સ્ટોરી ટિફિનની આસપાસ ફરે છે, ભાવનગરનો એક યુવાન અમદાવાદમાં છ મહિના માટે ઇન્ટર્નશીપ કરવા માટે આવે છે અને તે પીજીમાં રહેતો હોય છે અને તેને ટિફિનની જરૂરિયાત હોય છે.તેમના રૂમમેટ્સનું ટિફિનનો સ્વાદ માણીને તે અભિભૂત થઇ જાય છે અને અહીંથી મંગાવવા માટે ભાનુ કાકાને કહે છે પણ જ્યાંથી ટિફિન આવે છે તે ભાભી/માસી 21મું ટિફિન આપવાની ના પાડે છે અને અહીંથી વાર્તાની શરૂઆત થાય છે! વધુ માહિતી માટે તમારી ફિલ્મ જોવા થીએટરમાં જવું પડશે.
ફિલ્મની વાર્તા રામમોરીના વાર્તાસંગ્રહ “મહોતું”માંથી લેવામાં આવી છે. ફિલ્મની વાર્તા પણ રામ મોરીએ લખી છે અને સ્ક્રીનપ્લે-ડાયલોગ્સ વિજયગીરી બાવા અને રામે લખ્યાં છે. ફિલ્મના ડાયલોગ સતત જકડી રાખે છે એવું લાગે કે આપણી પોતીકી વાર્તા જ આપણી આસપાસ ફરી રહી હોય ! ફિલ્મના ડાયલોગ પરથી તો મિમ્સ પણ બનીને વાઈરલ થયા છે એટલે મજ્જા પડી જાય તેવા છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ભાવુક કરી દેનારો છે. સાથે જ સુખડીની વાત હોય, ચંપાની વાત હોય કે આંગળીઓ ચાટતું અથાણું હોય દરેક વાતને બાખૂબી પૂર્વક વર્ણવી લીધી છે.
ફિલ્મ ધીમે ધીમે ગતિ પકડે છે અને ક્યાંક બ્રેક લાગે અને ફરી ઝડપ પકડે એવું લાગ્યું નથી. બે ત્રણ સીનની ફિલ્મમાં ખરેખર જરૂર નહોતી એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જેમકે, ટી પોસ્ટની બહાર તાજ હોટેલને બ્લર કરી ચા પીતો સીન! સુખડી થોડીક વધુ શેકાઈ હોય તો વધુ મજ્જા પડત !
ફિલ્મના ગીતના શબ્દો પાર્થ તારપરાએ લખ્યાં છે અને કાનમાં હજુ પણ ગુંજી રહ્યા છે અને ગુંજવા પાછળનું કારણ મેહુલ સુરતીનું સંગીત. ગીતને મહાલક્ષ્મી ઐય્યરે ગાયું છે જયારે તેમાં જરૂરી જગ્યાએ મેહુલ સુરતીએ પોતાનો જાદુઈ અવાજ પાથરીને લોકોને સાંભળવા મજબૂર કરી દીધા હોય તેવું લાગે છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ મેહુલ સુરતીએ જ આપ્યો છે !
ફિલ્મ અમદાવાદમાં જ શૂટ થઇ છે અને ફિલ્મમાં અભિનય કર્યો છે, નીલમ પંચાલ, રોનક કામદાર, નેત્રી ત્રિવેદી, હિતેશ ઠાકર, રક્ષા નાયક,દીપા ત્રિવેદી, પ્રેમ ગઢવી, મૌલિક જગદીશ નાયક, મેહુલ સોલંકી, રાકેશ ગોસ્વામી અને અન્ય કલાકારોએ.
સમગ્ર ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે વિજયગીરી બાવાએ!
અને હા આ ફિલ્મમાં ક્યાંય દારુનો સીન નથી કે મૂત્ર વિસર્જનના સીનના બદલે જોડે ટિફિન જમતા મિત્રોનો સીન આનંદ પમાડે તેવો છે.
ફિલ્મના સબ ટાઈટલ્સ ખરેખર વાંચવા જેવા છે તેમાંથી બે શબ્દ શીખવાના મળ્યા, સુખડીને અંગ્રેજીમાં Sweet Flour Cake કહેવાય અને ભજિયાને #Fritters કહેવાય !
ઓવરઓલ 21માં ટિફિનમાં છ પ્રકારના સ્વાદ ગળ્યો, તીખો, કડવો, ખાટો,ખારો અને તૂરોનું મિશ્રણ યોગ્ય થયું છે.
ઓવરઓલ 1 કલાક અને 28 મિનીટની ઇન્ટરવલ વગરની ફિલ્મ 21મું ટિફિનને પાંચમાંથી ચાર સ્ટાર (4.00/5.00) !
