આમ તો કચ્છ જિલ્લાને સૂકો મુલક કહેવામાં આવે છે જેના કારણે સરકાર દ્વારા કચ્છમાં વધારાના નર્મદાના પાણી આપવાની યોજનાને વહીવટી મંજૂરી અપાઈ છે જેથી પાણી આવે ત્યારે સાચું. પણ હાલના તબક્કે રાજયમાં સૌથી ઓછું પાણી કચ્છ જિલ્લામાં છે. જિલ્લાના મુખ્ય 20 જળાશયોમાં અત્યારે માત્ર 22 ટકા જ પાણી છે જેથી આગામી માસથી શરૂ થતાં ઉનાળામાં ભયંકર જળ કટોકટી સર્જાય તો નવાઈ નહિ.
હાલ ભર શિયાળે કચ્છના 20 મધ્યમકક્ષાના ડેમોમાં માત્ર 22.32 ટકા પાણીનો જથ્થો બચ્યો છે.9 ડેમમાાં તો 20 ટકા કરતા પણ ઓછો પાણીનો જથ્થો છે. જેના પગલે અનેક તાલુકામાં ઉનાળુ પાક માટે ખેડૂતોને પાણી મળી શકશે તેમ નથી.કચ્છના ડેમોમાં 332 મિલિયન ક્યુબિક મીટરની સંગ્રહ શક્તિ સામે હાલ માત્ર 74.17 મિલિયન ક્યુબિક મીટર પાણી બચ્યું છે.
ચોંકાવનારી વાત એ છે કે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં કચ્છના ડેમોમાં અધધ 196 મિલિયન ક્યુબિક મીટર પાણી હતું. આમ ગત વર્ષની તૂલનાએ હાલ કચ્છના ડેમોમાં 122 ટકા પાણીની ઘટ છે. હાલ 20 ડેમોમાંથી 9 ડેમમાં તો 20 ટકા કરતા પણ ઓછુ પાણી છે.ગાંધીધામને પાણી જે ટપ્પર ડેમમાંથી અપાય છે તેમાં પણ હવે માત્ર 11.90 ટકા પાણી બચ્યું છે.
તો જિલ્લાના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં પણ હવે ખૂબ ઓછું પાણી છે. ડેમમાં જીવંત પાણીનો જથ્થો નથી. તે જ રીતે ગજણસર ડેમ પણ તળિયા ઝાટક છે. આ ડેમમાં પણ પાણીનો લાઈવ સ્ટોક નથી ત્યારે ઉનાળો કપરો સાબિત થશે.
