World Vulture Day:કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ (Vulture) પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.તેઓ મૃત પ્રાણીઓને ખાઈને રોગ પેદા કરતા સૂક્ષ્મજીવાણુઓનો નાશ કરે છે.જોકે, છેલ્લા બે દાયકામાં તેમની વસ્તીમાં 90 ટકાનો ઘટાડો થયો છે.આ ઘટાડાનું મુખ્ય કારણ પશુઓમાં વપરાતી દવા ‘ડાયક્લોફેનાક સોડિયમ’ છે. આ દવાને કારણે, મૃત પ્રાણીઓનું માંસ ખાવાથી ગીધ પર પ્રતિકૂળ અસર થઈ અને તેમાંથી મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા.

જ્યારે સમગ્ર દેશની સાથે ગુજરાતમાં દર વર્ષે સપ્ટેમ્બરના પહેલા શનિવારે વિશ્વ ગીધ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગીધની સતત ઘટતી સંખ્યા વન વિભાગ અને પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય બની છે. 2022ની ગીધ ગણતરી મુજબ, સમગ્ર ગુજરાતમાં 999 ગીધ હતા, જેમાંથી 84 ગીધ ફક્ત સુરેન્દ્રનગર જિલ્લામાં જ જોવા મળ્યા હતા. આજે તેમની સંખ્યા ઘટીને 32 થી 35 થઈ ગઈ છે, જે ગંભીર સંકટ તરફ ઈશારો કરે છે.
ગીધની કુલ 8 પ્રજાતિઓમાંથી, 6 ઝાલાવાડ, સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. જેમાં હિમાલયન ગ્રિફોન, યુરેશિયન ગ્રિફોન અને સિનાબાર ગીધ જેવી પ્રજાતિઓ સ્થળાંતર કરે છે અને ગુજરાતમાં ફક્ત બે મહિના રહે છે. આ ઉપરાંત, સફેદ પીઠવાળું ગીધ, ઇજિપ્તીયન ગીધ અને અત્યંત દુર્લભ રાજા ગીધ પણ અહીં જોવા મળે છે.

ગીધ મુખ્યત્વે ઊંચા વૃક્ષો પર માળો બનાવે છે, પરંતુ શહેરીકરણ અને વૃક્ષોના આડેધડ કાપને કારણે, તેમને યોગ્ય રહેઠાણ મળી શકતું નથી, જેના કારણે તેમની સંખ્યા પણ ઘટી રહી છે. જિલ્લાના ભરડ, અખિયાણા, પીપલી, રાજચરડી અને મેથાણ જેવા ગામોમાં હજુ પણ ગીધની વસાહતો જોવા મળે છે. 2016 માં, પાટડીના અખિયાણા ગામમાં સૌથી વધુ 65 ગીધ નોંધાયા હતા, ત્યારબાદ તેમની સંખ્યા સતત ઘટી રહી છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરનાં મુળીમાં વીજળી પડતા 48 ઘેટા-બકરા મોતને ભેટ્યા
આ પણ વાંચો:સુરેન્દ્રનગર : જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું
આ પણ વાંચો:સુરેન્દ્રનગર : બિસ્માર રસ્તાઓને લઇ પ્રાંત અધિકારી લાલઘૂમ
