Junagadh News: જૂનાગઢના મધુરમ ચોકડી નજીક આવેલી આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થયેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં હલચલ મચાવી દીધી છે. આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ પર જ બેરહેમીથી મારપીટ કરવામાં આવી હોવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેના કારણે વાલીઓ, સ્થાનિક સમુદાય અને પોલીસ વિભાગમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને હોસ્ટેલ સંચાલનની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં થયેલી આ ઘટનાઓમાં ઉપલેટા, ધોરાજી અને માંગરોળના વિદ્યાર્થીઓ સામેલ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ ઘટનામાં, ધોરણ 12 સાયન્સના એક વિદ્યાર્થીને ચાર સાથી વિદ્યાર્થીઓએ આક્રમક રીતે મારપીટ કરી, જેનો વીડિયો વાયરલ થયો. આ ઘટના લગભગ એક મહિના જૂની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હોસ્ટેલ સંચાલકોએ તેને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ વાલીઓએ લગાવ્યો. બીજી ઘટનામાં, ધોરાજી અને માંગરોળના બે વિદ્યાર્થીઓને પાંચ અન્ય વિદ્યાર્થીઓએ ઢોરની જેમ માર માર્યો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
આ વીડિયોમાં જોવા મળે છે કે હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓએ ગેંગ બનાવીને રોફ જમાવવા દાદાગીરી કરી. આરોપ છે કે જો કોઈ વિદ્યાર્થી નાસ્તો ન આપે, વાત ન માને કે તેમની વિરુદ્ધ બોલે, તો તેને મારપીટનો સામનો કરવો પડે છે. આવી ઘટનાઓએ હોસ્ટેલના વાતાવરણને ગુંડાગર્દીનો અડ્ડો બનાવી દીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
વાયરલ વીડિયો બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. અત્યાર સુધીમાં બે વાલીઓએ જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદોમાં જણાવાયું છે કે હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા નાના વિદ્યાર્થીઓ પર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવે છે. ખાસ કરીને, ઉપલેટાના એક વિદ્યાર્થીના વાલીઓએ શંકા જતાં તેમના બાળકને હોસ્ટેલમાંથી ઘરે લઈ આવ્યા, જે બાદ આ ઘટનાનો પર્દાફાશ થયો.
આ ઘટનામાં પીડિત વિદ્યાર્થી આહીર સમાજનો હોવાથી, આહીર સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉપલેટામાં આહીર સમાજના લોકો એકઠા થયા અને હોસ્ટેલ સંચાલકો સામે કડક કાર્યવાહીની માગ કરી. તેઓએ શનિવારે ઉપલેટાના મામલતદારને અને સોમવારે જૂનાગઢના મામલતદારને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.
આ ઘટનાના વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી. જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે, પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી છે અને આરોપી વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. આ કેસમાં જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે મારપીટ કરનારા વિદ્યાર્થીઓ સગીર છે. એક આરોપી વિદ્યાર્થી DySPનો પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે, જે આ ઘટનાને વધુ ગંભીર બનાવે છે.
જૂનાગઢના કલેક્ટરે આ મામલે તટસ્થ તપાસ માટે એક સમિતિ નીમી છે, જેમાં પ્રાંત અધિકારી, DySP, નાયબ મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણાધિકારી અને બાળ સુરક્ષા અધિકારીનો સમાવેશ થાય છે. આ સમિતિ હોસ્ટેલની મંજૂરી, બીયુ સર્ટિફિકેટ, રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ અને GST ટેક્સની ચુકવણી જેવા મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરશે. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ હોસ્ટેલ સંચાલકો સામે વધુ કાર્યવાહી થશે.
આ પણ વાંચો:જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો: વીડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદના કૃષ્ણનગરમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ પર હુમલો, CCTV વાયરલ
આ પણ વાંચો:અમદાવાદ બાદ મહિસાગરમાં વિદ્યાર્થી પર ચાકૂના ઘા મારી હુમલો
