Ahmedabad News : અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં 24 કલાકમાં જ કોરોનાના 24 કેસ નોંધાયા હતા. અગાઉ મે મહિનામાં 89 કેસ નોંધાયા હતા. જેમાં 76 એક્ટિવ કેસ હતા. જ્યારે 2 દર્દી સારવાર હેઠળ છે. તે સિવાય રાજકોટમાં ચાર નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. મુંબઈ બાદ અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 4 નવા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. આ નવા કેસો સાથે રાજકોટમાં અત્યાર સુધીના કુલ સક્રિય કેસનો આંકડો 5 પર પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે, તમામ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે અને પ્રથમ નોંધાયેલ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ પણ થઈ ગયા છે, જેને કારણે આરોગ્ય તંત્રએ હાલ પૂરતી કોઈ મોટી ચિંતા નહીં હોવાનું જણાવ્યું છે.
સુરતમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. સિક્કિમથી પરત સુરત આવ્યા બાદ લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખ નહીં એ છે કે, કોરોનાની સુરતમાં રી એન્ટ્રી બાદ નોંધાયેલા કુલ પાંચ કેસમાંથી હોસ્પિટલ સાથે સંકળાયેલા ચાર લોકો કોરોના સંક્રમિત થયા છે.
તા. 19 મે: મવડીના એક વિસ્તારમાં પ્રથમ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ દર્દી વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા, પરંતુ તેઓ હોમ આઈસોલેટ થયા બાદ હવે સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા છે. આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી.
તા. 23 મે: 39 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેઓ શિવ પાર્ક વિસ્તારમાં રહે છે.
તા. 24 મે: 2 નવા કેસ સામે આવ્યા. જેમાં ગોવિંદ નગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. આ બંનેને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને તેમની તબિયત સ્થિર છે.
તા. 26 મે: રૈયા રોડના શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ એક નવો કેસ નોંધાયો હતો.
8 દિવસમાં રાજકોટમાં કોરોનાના કુલ 5 દર્દી નોંધાયા
આમ, છેલ્લા 8 દિવસમાં રાજકોટમાં કોરોનાના કુલ 5 દર્દી નોંધાયા છે, જેમાંથી 1 સ્વસ્થ છે અને બાકીના 4 હોમ આઈસોલેશનમાં છે. નવા નોંધાયેલા કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે હજુ સુધી કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. જોકે રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત વિસ્તારોમાં તાત્કાલિક સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે આરોગ્ય વિભાગની ટીમે આસપાસના ઘરોમાં જઈને સર્વે કર્યો છે, પરંતુ સદભાગ્યે કોઈ નવા દર્દીઓ મળ્યા નથી.
સિવિલ હોસ્પિટલની સજ્જતા
હાલમાં કોરોનાની કોઈ મોટી લહેર ન હોવાથી મોટા પાયે ટેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી નથી. પરંતુ શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓના ફ્લૂ રિપોર્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટમાં H1N1 (સ્વાઈન ફ્લૂ), કોરોના સહિતના લક્ષણોનું નિદાન થઈ જાય છે. ત્યારબાદ જરૂર લાગે તો કોરોનાનો રિપોર્ટ કરી કોરોનાના કેસ નોંધીને રાજ્ય સરકારને રિપોર્ટ મોકલવામાં આવે છે. જોકે આમ છતાં કોરોનાના સંભવિત વધારાને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં વેન્ટીલેટર સાથે 20 બેડનો ખાસ વોર્ડ ઓક્સિજન સપોર્ટ સાથે તૈયાર રાખવામાં આવ્યો છે.
હાલના કોઈપણ કેસમાં ગંભીર લક્ષણો દેખાયા નથી
ઉલ્લેખનીય છે કે હાલના કોઈપણ કેસમાં ગંભીર લક્ષણો દેખાયા નથી અને ચિંતા કરવાની કોઈ વાત નથી. દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સાજા થઈ જાય છે, અને પ્રથમ દર્દી તો કોરોના મુક્ત થઈ પણ ગયા છે. બાકીના દર્દીઓની હાલત પણ સ્થિર છે. છતાં, લોકોને તકેદારી રાખવા, ડોકટરની સલાહ મુજબ નિદાન કરાવવા અને ખાસ કરીને હાલની સિઝનમાં સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. જેમાં માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા સહિતના નિયમોનું પાલન કરવું હજુ પણ મહત્વનું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
વાપીમાં 75 વર્ષના વૃદ્ધ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
વાપીની શ્રદ્ધા હોસ્પિટલમાં 75 વર્ષના વૃદ્ધ દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. દર્દી તાજેતરમાં વિરમગામ-શંખેશ્વર વિસ્તારની મુલાકાતે ગયા હતા. ત્યારબાદ તબિયત બગડતા તેમને વાપીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીનો કોવિડ-19 નમૂનો સુરતની સ્ટર્નિંગ એક્યુરસી લેબમાં મોકલવામાં આવ્યો હતો. લેબમાંથી પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. વિભાગે વિસ્તારને અસરગ્રસ્ત જાહેર કર્યો છે. ઘરે ઘરે સર્વેલન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
મહેસાણામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો, કુલ કેસની સંખ્યા 10 થઈ
મહેસાણા શહેરમાં આજે કોરોનાનો એક નવો કેસ નોંધાયો છે. જિલ્લામાં બે દર્દીના RTPCR સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. હાલમાં 7 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બે દર્દીઓએ કોરોનાને માત આપી છે અને તેઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
જૂનાગઢમાં આજે એક કેસ નોંધાયો
જૂનાગઢમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ઝાંઝરડા રોડ પર રહેતા વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાને કોરોના પોઝિટિવ
ગઇકાલે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 2 દર્દીનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 40 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ યુવતી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના 2 વ્યક્તિઓને હાલમાં કોઈ તકલીફ નથી.બીજા દર્દી 73 વર્ષીય વૃદ્ધ (રહેઠાણ-વેસુ) જેઓ રીટાયર્ડ છે અને કેન્સરની સારવાર હેઠળ છે અને મુંબઈથી કેન્સરની સારવાર મેળવી તા.23/05/2025ના રોજ સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓ મૈત્રય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સ્થિર છે અને તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના 1 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
બનાસકાંઠામાં એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કુલ 8 ટેસ્ટમાંથી 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. આ 8 ટેસ્ટમાં 6 RTPCR અને 2 RAT ટેસ્ટનો સમાવેશ થાય છે. અગાઉ જિલ્લામાં 1 એક્ટિવ કેસ હતો. નવા 2 કેસ ઉમેરાતા હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. તમામ કોરોના પોઝિટિવ દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે.કોવિડ-19 રોગના લક્ષણો :-
તાવ
શરદી-ઉધરસ
ગળાનો દુખાવો
થાક લાગવો
માથાનો દુખાવો
શ્વાસ લેવામાં તકલીફ
શરીર/સ્નાયુઓમા દુખાવો
ઊબકા / ઉલ્ટી
ઉપરોકત લક્ષણો જણાય તો શહેરીજનોએ નજીકના શહેરી આરોગ્ય કેન્દ્ર/ફેમીલી ફીઝીશયન/ ન્યુ સિવિલ હોસ્પિટલ/સ્મીમેર હોસ્પિટલ/ખાનગી હોસ્પિટલનો સંપર્ક કરી સારવાર મેળવવા અને આવી વ્યક્તિઓએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવા સુરત મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:વડાપ્રધાનના રોડ શો વખતે જ વરસાદની આગાહી, સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા
આ પણ વાંચો:પેવર બ્લોકના કામના બિલના ચેક માટે 1.43 લાખની લાંચ લેતા જૂનાગઢનો જુનીયર એન્જીનિયર ઝડપાયો
