અમદાવાદ
આજે ફાધર્સ ડે પર તમે ફેસબુક,ટ્વીટર કે વોટ્સ એપ પર પોતાના પિતાના દિર્ઘાયુ માટેના હજારો સંદેશાઓ જોયા હશે.સોશિયલ મીડીયામાં પિતાને શુભેચ્છાઓ આપતાં સંતાનો માટે આ સ્ટોરી પ્રેરણાદાયિક બની શકે છે.બાંસવાડામાં રહેતી 24 વર્ષની હિના તાબિયારે તેના પિતાને કીડની ડોનેટ કરીને નવું જીવતદાન આપ્યું છે.
કોઈ અપરણિત પુત્રી પિતાને અંગદાન કરે તેવી ઘટના રેર હોય છે. હિનાએ તેના પિતાને ફાધર્સ ડેની અમૂલ્ય ભેટ આપી છે.
હિનાએ ફાધર્સ ડેના 3 દિવસ પહેલા હિનાએ તેની એક કિડની તેના 49 વર્ષીય પિતા મોહનલાલને દાન કરી.અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં હાલ દાખલ પિતા-પુત્રીની હાલત સ્થિર છે.
હિનાએ તાજેતરમાં રાજસ્થાનમાં બેઝિક સ્કૂલ ટીચિંગ સર્ટિફિકેટનો કોર્સ પૂરો કર્યો છે અને તે શિક્ષક બનવા માગે છે. હિનાએ કહ્યું કે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે હું મારા પિતાનો જીવ બચાવી શકી. મારા પિતાએ મારા મિત્ર બનીને મારો ઉછેર કર્યો છે. રૂઢિચુસ્ત મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં હોવા છતાં મારા પિતાએ મારી ઈચ્છા પૂરી કરીને મને ઉચ્ચ અભ્યાસ માટે બોર્ડિંગ સ્કુલમાં મોકલી.હું તેમની ઋણી છું.અમને અમારા પિતાના જીવથી વિશેષ બીજુ કંઇ નહોતું.
મોહનલાલની જ્યારે કીડની કામ કરતી બંધ થઇ ત્યારે પરિવાર માથે આભ તુટી પડેલું.મોહનલાલને કીડની આપવા માટે તેમનો 22 વર્ષનો પુત્ર પણ તૈયાર થયો હતો,જો કે તેની કીડની મેચ ના થતાં આખરે હિનાની કીડનીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.હિનાની કીડની મેચ થતાં મોહનલાલને બીજી જીંદગી મળી શકી હતી.
જો કે હવે પરિવારને એક કિડની ધરાવતી હિનાના લગ્નની મોટી ચિંતા છે,પરંતું તેના માટે તેના પિતાની જીંદગીથી વિશેષ લગ્ન નથી.હિનાએ કહ્યું કે મારી કીડની નહીં હોવાથી મારા લગ્નમાં અડચણ આવશે તે વાત હું જાણું છું,પરંતું મને તેની ચિંતા નથી.જે પુરુષ પિતાને કિડની દાન કરવી તે કાર્યને મુસીબત સમજતો હોય તે લગ્નને લાયક નથી.
