Afghanistan News:અફઘાનિસ્તાનના હિન્દુકુશ પર્વતમાળા વિસ્તારમાં ગુરુવારે સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે ભૂકંપથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, કાચા મકાનોને નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં.
સવારે 6.59 વાગ્યે ધરા ધ્રૂજી
કાબુલ (Kabul)માં ગુરુવારે સવારે લગભગ 7 વાગ્યે (6:59:20) હિન્દુકુશ (Hindu Kush)પર્વતમાળામાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નોંધાયો હતો. અફઘાનિસ્તાન (Afghanistan)ના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક્સ (X) પર આ અંગે જાણકારી આપી હતી. ભૂકંપનું કેન્દ્ર 35.981 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68.700 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું.
લોકો સફાળા ઘરની બહાર નીકળ્યા
ભૂકંપ વહેલી સવારે આવ્યો હોવાથી લોકો સફાળા ઘરની બહાર નીકળી ગયા હતા. કેટલાક લોકો સૂઈ રહ્યા હતા, તેઓ પણ અચાનક જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
126 કિ.મી. ઊંડાઈએ Earthquake
ભૂકંપ 126 કિ.મી.ની ઊંડાઈએથી શરૂ થયો હતો. આ કારણે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. જોકે, સિસ્મોલોજી સેન્ટરે સ્પષ્ટતા કરી છે કે દૂરના વિસ્તારોમાં આવેલા કાચા મકાનોમાંથી કેટલાક તૂટી પડ્યા હોય કે તેની દીવાલોમાં તિરાડો પડી હોવાની સંભાવના નકારી શકાય નહીં. હજુ સુધી પ્રાપ્ય માહિતી મુજબ જાનમાલનું નુકસાન નોંધાયું નથી, પરંતુ કોઈ નુકસાન થયું જ નહીં હોય તેમ માની શકાય નહીં.
કેમ વારંવાર ધ્રૂજે છે અફઘાનિસ્તાનની ધરતી?
જિયોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાન દુનિયાના સૌથી વધુ એક્ટિવ સિસ્મિક ઝોન (Active seismic zone)માં આવેલું છે, જેથી ત્યાં વારંવાર ભૂકંપ આવવાની પૂરી સંભાવના રહે છે. આ વિસ્તારમાં ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ મળે છે, અને તેમના એકબીજા સાથે ઘસાવાથી ભૂકંપ આવવા સ્વાભાવિક છે. સમગ્ર હિન્દુકુશ-પામિર પ્રદેશ સિસ્મિક એક્ટિવિટી માટે સંવેદનશીલ ગણાય છે.
આ પણ વાંચો: પાકિસ્તાની ફાઇટર જેટ્સની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક, કુનારમાં 3નાં મોત
આ પણ વાંચો: ચોમાસા વચ્ચે હિમાચલમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, શિમલામાં 4.0ની તીવ્રતા
આ પણ વાંચો: કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક 3.3ની તીવ્રતા નોંધાઈ
