POCSO case investigation Gujarat: રાજ્યમાં મહિલાઓ અને સગીર બાળાઓ પર થતા અત્યાચારોના કિસ્સામાં પીડિતોને ઝડપી ન્યાય અપાવવા માટે CID (ક્રાઈમ અને રેલવેઝ) વિભાગે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હવેથી બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળના તમામ ગુનાઓની તપાસ એફ.આઈ.આર. (FIR) નોંધાયાના ૬૦ દિવસની અંદર પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવી પડશે.

નવા કાયદા BNSS હેઠળ કડક પરિપત્ર
પોલીસ મહાનિદેશક ડો. કે.એલ.એન. રાવ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 ની કલમ 193(2) મુજબ જાતીય અપરાધોની તપાસ બે મહિનામાં પૂર્ણ કરવી હવે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની કાયદેસરની જવાબદારી રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ તપાસની ગુણવત્તા સુધારવાનો અને પીડિતોને ન્યાય માટે લાંબો સમય રાહ ન જોવી પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
CP અને SP કરશે રિયલ-ટાઇમ મોનિટરિંગ
રાજ્યના તમામ પોલીસ કમિશનર (CP) અને જિલ્લા પોલીસ વડાઓ (SP) ને સૂચના આપવામાં આવી છે કે તેઓએ આવા કેસોનું સતત રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવું. આ માટે E-GujCop પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવશે, જેનો ડેટા સીધો નેશનલ પોર્ટલ ‘ITSSO’ પર દેખાશે. જો કોઈ અધિકારી 60 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે, તો તેની સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે.

POCSO: ડિજિટલ પુરાવા અને વીડિયોગ્રાફી પર ભાર
હવે માત્ર નિવેદનોના આધારે કેસ નહીં ચાલે, પરંતુ પોલીસ તપાસમાં પારદર્શિતા લાવવા માટે નવા કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. જે મુજબ, પુરાવા એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવી હવે ફરજિયાત રહેશે અને 7 વર્ષથી વધુ સજા ધરાવતા ગુનાઓમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરી અનિવાર્ય કરવામાં આવી છે. આ ઉપરાંત, કોર્ટમાં કેસ મજબૂત કરવા ડિજિટલ પુરાવાઓ પર ખાસ ભાર મૂકાશે, જેથી ગુનેગારોને ઝડપથી સજા અપાવી શકાય અને પોલીસની કામગીરી વધુ વિશ્વસનીય બને.
આ પણ વાંચો: પાદરામાં POCSO કેસ પછી જામીન પર છૂટેલા પ્રેમીએ દીકરીની સામે જ કરી પિતાની હત્યા
આ પણ વાંચો: અમદાવાદમાં હચમચાવનારો ગુનો: 8 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ, 21 વર્ષીય યુવક વિરુદ્ધ POCSO કેસ
આ પણ વાંચો: નિર્ભયા અને POCSO જેવા કાયદા છતાં રેપિસ્ટો ક્યાંથી મેળવી લે છે રાહત?
