@અનિતા પરમાર
Gandhinagar News: રાજ્યમાં શિક્ષકોની ગેરહાજરીની બાબતે વધતા જતા બનાવોને લઈને છેવટે શિક્ષણ વિભાગ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું છે. તેણે ગેરહાજર શિક્ષકો બાબતે હાથ ધરેલી તપાસમાં જણાવ્યું છે કે રાજ્યના કુલ 27 જિલ્લામાં આવેલી જુદી-જુદી સરકારી શાળામાં 151 શિક્ષક ગેરહાજર છે.
આ શિક્ષકો ત્રણ મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર છે અને તેમા 91 શિક્ષકો ગેરકાયદેસર રીતે રજા પર ઉતર્યા છે અને 60 શિક્ષકો વિદેશમાં છે. આ વાત બીજા કોઈએ નહીં શિક્ષણપ્રધાને પોતે જણાવી છે. કોઈને પણ આશ્ચર્ય થાય કે આટલા શિક્ષકો વિદેશમાં પણ તે હકીકત છે. આ રીતે શિક્ષકો મહિનાઓની રજાઓ મૂકીને વિદેશમાં જતાં રહે પછી ભણતરનો ક્યાંથી ઉદ્ધાર થાય.

સરકાર પોતે પાછી કબૂલે છે પણ ખરી કે કુલ 151 શિક્ષકો રજા પર છે અને તેમાથી 91 એટલે કે અડધાથી તો વધારે શિક્ષકોએ ગેરકાયદે રજા લીધી છે. આટલા હોબાળા પછી હવે સરકાર આ રીતે રજા પર ઉતરેલા શિક્ષકો સામે કાર્યવાહી કરશે. આ બધુ તો થતાં થશે, પણ આટલા સમયગાળા સુધી બાળકોના ભણતરનો ભોગ લેવાયો તેનું વળતર કોણ આપશે. ગરીબ બાળકોના ભણતરનું કોઈ મૂલ્ય નથી. જો શિક્ષકો સરકાર પાસેથી 70થી 80 હજાર રૂપિયા લેનારા શિક્ષકો ભણાવતા ન હોય તો પછી સરકાર શિક્ષણને તાળા જ મારેને, પછી તે શિક્ષકોની ભરતી જ શું કામ કરે.

સરકારમાં લાગવગના જોરે બેસી મફતનો પગાર લઈ મફતનું ઉસેટનારા શિક્ષકો ગુજરાતના બાળકોનું ભાવિ અંધકારમય જ બનાવે છે. સરકાર આ વાત સુપેરે જાણી ગઈ હોવાથી તેણે સરકારી શાળાઓને તાળા મારવાનો અભિગમ અપનાવ્યો છે અને ભરતી પર કાપ મૂક્યો છે. કારખાનામાં મજૂરી કરવાની પણ ગુણવત્તા ધરાવતા ન હોય તેવા લોકો શિક્ષણ ક્ષેત્રમાં આ રીતે આવીને બેસી ગયા પછી શિક્ષણનો અને ગરીબ વિદ્યાર્થીઓના ભવિષ્ય બંનેનો દાટ વાળે છે.

રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે પોતાના બદલે બીજા શિક્ષકને મોકલનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં આવી કેટલી શાળામાં ભૂતિયા શિક્ષકો છે તેની તપાસ શરૂ થઈ ચૂકી છે. આ રીતે શિક્ષકના બદલે બીજો શિક્ષક હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
