Gujarat Accidents: ગુજરાતમાં એક જ દિવસમાં થયેલા આઠ અકસ્માતમાં નવના મોત થયા છે અને કુલ 11ને ઇજા થઈ છે. આમ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થમતી નથી. રવિવારે પણ અકસ્માતને રજા હોતી નથી. જાણે અગાઉના રહી ગયેલા દિવસોનું સાટું વાળતા હોય તેટલા અકસ્માત રવિવારે થયા હતા.
મહીસાગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં બે શ્રમજીવીના મોત થયા હતા. અજાણ્યા વાહને ટક્કર મારતા આ ઘટના બની હતી. બાલાસિનોર અમદાવાદ હાઇવે પર આ ઘટના બની હતી. ફાગવેલ દર્શન કરવા જતાં શ્રમજીવીને વાહને ટક્કર મારી હતી. વાહન ચાલકે ટક્કર મારતા મહિલા અને પુરુષનું મોત થયું હતું. અકસ્માતમાં મરનાર વ્યક્તિ બાલાસિનોરના ભાથલા ગામના હોવાનું અનુમાન છે.
જામનગર-રાજકોટ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીકના જાવિયા ગામ પાસે આજે સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એકને ઇજા થઈ હતી.
ઘટના બાદ વહેલી સવારે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એકઠા થયેલા લોકોની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકો ભેંસદડના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના બસચાલકની બેદરકારીએ આધેડનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. રક્ષા શક્તિ સર્કલથી સ્વામિનારાયણ ધામ તરફનાં રોડ ઉપર ઘટના બની હતી, જેમાં દિલ્હી પબ્લિક સ્કૂલ બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ ક્રોસ કરતા આધેડને અડફેટે લીધા હતા,ત્યારે સામેના રોડ ઉપર ઉભેલા પુત્રની નજર સામે આધેડનું સ્કૂલ બસની અડફેટે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું.આ સમગ્ર મામલે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત બનાસકાંથાના નેનાવા બોડર અને સાંચોર વચ્ચે અકસ્માતની ઘટના થઈ હતી. અકસ્માતમાં બેના મોત થયા હતા અને એક ઇજા પામ્યો હતો. બાઇક પર જઈ રહેલા ત્રણ લોકોને ટ્રકે અડફેટે લીધા હતા. ઘટનાસ્થળે બેના મોત થયા છે અનેએક ઇજાગ્રસ્ત થયો છે. મૃતકો થરાદના ડુવા ગામના હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસને જાણ કરતાં તે ઘટનાસ્થળે પહોંચી છે. મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડાયા છે અને ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે. ધાનેરા સાંચોર હાઇવે પર વાહનચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે.
મોરબીમાં ડમ્પરની અડફેટે એક વર્ષના માસૂમનું મોત થયું છે. બેલા ગામની સીમના કારખાનામાંઆ બનાવ બન્યો છે. લીડસન સિરામિક કારખાનામાં આ બનાવ બન્યો છે. ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. માસૂમ રમતો હતો ત્યારે તેને ડમ્પર ચાલકે હડફેટે લેતા મોત થયું હતું.
સાબરકાંઠા તાજપુર કુઈના બ્રિજ પાસે અકસ્માત થયો હતો. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી હતી. ટ્રક ડ્રાઇવર અને ક્લિનરને ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિકોએ જાણ કરતાં 108 આવી ગઈ હતી. 108એ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
રાજકોટના સુપેડી નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી ગઈ છે. પોરબંદરથી રાજકોટ આવતી બસમાં આગ લાગી છે. બસમાં સવાર 20 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સાવચેતીના પગલે તમામ મુસાફરોને બચાવ થયો છે.
સાબરકાંઠામાં ઇડર હિંમતનગર હાઇવે પર અકસ્માત થયો હતો. રામપુર ચોકડી પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેના કારણે ટ્રાફિક જામ થયો હતો. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતીઅને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અનેઇજાગ્રસ્તોને 108 બોલાવી હોસ્પિટલ ભેગા કર્યા હતા.
સુરતના પાલ વિસ્તારમાં જંગલી જાનવરની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પાલ પોલીસના પી.આઈ.એલ. ગાધેએ જણાવ્યું હતું કે અકસ્માત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યું છે. ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભારે વાહનોના અકસ્માત બાદ ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરો પણ ડિટેઈન કરવામાં આવ્યા છે. સીસીટીવીના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે ચાલુ તેની પણ તપાસ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ જીજ્ઞેશભાઈ ઈશ્વરભાઈ મથોલીયા પરિવાર સાથે રહે છે. તે બાંધકામનું કામ કરીને તેના પરિવારને ટેકો આપે છે અને તેને એક પુત્ર છે, વેદાંત U.V.13. ગૌરવપથ રોડની એલ.પી. સવાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતો વેદાંત પ્રિન્સ એકેડમી, બેલ્જિયમ હબ, ગૌરવપથ રોડ ખાતે ટ્યુશન માટે સાયકલ પર ઘરેથી નીકળ્યો હતો.
વેદાંત લગભગ 3.30 વાગ્યે પાલ ગૌરવપથ રોડ એપેક્સ હોસ્પિટલ ચાર રસ્તા પર પહોંચ્યો. ત્યારે ડમ્પર ટ્રક (GJ-21-W-2747)ના ચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી હંકારી વેદાંતની સાયકલ સાથે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. વેદાંતને જમણી જાંઘમાં ઈજાઓ અને કપાળ પર ઉઝરડા સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જમણા પગની જાંઘમાં ફ્રેક્ચર થયું હતું.
અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે સિગ્નલ બંધ હોવા છતાં ડમ્પર ચાલક પૂરપાટ ઝડપે આવે છે. દરમિયાન, વેદાંત જે સિગ્નલ પર ઉભો છે તે ખુલ્લો હોવાથી તે તેની સાયકલ લઈને આગળ વધવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક ડમ્પર ચાલકે આવીને તેને ફૂટબોલની જેમ ફેંકી દીધો હતો. આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. થોડા કલાકોમાં જ પાલ પોલીસે ડમ્પરના ચાલકને પકડી લીધો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માત, કાર બ્રિજ પરથી નીચે ખાબકતા ચારનાં મોત
આ પણ વાંચોઃ અંકલેશ્વર-સુરત રસ્તા પર અકસ્માત, ડ્રાઇવરને ઝોકું આવતા કાર ઝાડને અથડાઈ, ત્રણનાં મોત
આ પણ વાંચોઃ રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં 6ના મોત અને 30ને ઇજા