Rajkot News : ઉપલેટાના ચકચારભર્યા ઓનર કિલિંગ કેસમાં કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદી અને સાહેદો હોસ્ટાઇલ થવા છતાં આરોપીને સજા ફટકારવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા ઉપલેટા શહેરમાં આવેલ સતી માતાના મંદિર પાસે વર્ષ 2022માં થયેલ પતિ-પત્નીની હત્યાના બનાવમાં આરોપી સુનિલ ઉર્ફે કરણ સોમજી સિંગરખિયાને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી છે.
તારીખ 19.04.2022ના રોજ મૃતક રીના તથા અનિલ મનસુખભાઈ મહીડા દાંતની સારવાર કરાવવા માટે ઉપલેટા આવ્યા હતા ત્યારે આ અંગેની માહિતી મળતા આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી તેમના પિતા સોમજીભાઈ જેઠાભાઈ સિંગરખીયા અને આરોપી કરણના પત્ની હર્ષા ઉર્ફે કીર્તિ કરણભાઈએ ગુન્હાહિત કાવતરૂ રચી અને ઉપલેટા સતી માતાના મંદિર પાસે જીકરીયા મસ્જિદ વાળી ગલીમાં આરોપી કરણ ઉર્ફે સુનિલ છરી લઇ આડેધડ ઘા મારી અનિલ તથા તેના પત્ની રીનાની હત્યા નિપજાવી હતી.
અનિલના પિતા મનસુખભાઈ ગોવિંદભાઈ મહીડાએ તત્કાલીન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્રસિંહ ઝાલા સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવેલ અને આ ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી હતી.તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલ દ્વારા કરી અને આરોપીઓ વિરૂધ્ધ પ્રથમ દર્શનીય કેસ જણાતા હત્યા કરવાનું અને કાવતરું રચવાનું ચાર્જશીટ કરેલું હતું. જે બાદ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ જ્યારે પુરાવો નોંધાવવાનો શરૂ થયો ત્યારે તમામ વિટનેસ ફરી ગયા અને નજરે જોનાર દ્વારા સરકાર પક્ષના કેસને સમર્થન આપેલ નહીં અને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા હતા બાદમાં ફરિયાદી પણ ફરી ગયા અને હોસ્ટાઇલ જાહેર કરવામાં આવ્યા હતા.
આ બનાવ સંબંધે તપાસ કરનાર અધિકારીને પુરાવામાં માહિ દૂધનું સેન્ટર ચલાવતા રફીક ઈસ્માઈલભાઈ શેખના દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ કબજે લેવામાં આવ્યા હતા અને તે ફૂટેજ પ્રમાણે બનાવ સમયે પહેલા મૃતક બન્ને પતિ પત્ની દોડતા જાય છે અને પાછળ આરોપી કરણ ઉર્ફે સુનિલ દોડતો દોડતો જાય છે જેના હાથમાં છરી હતી અને તેની પાછળ આરોપી હર્ષા દોડતી જાય છે અને આશરે ત્રણ મિનિટ જેવા ગાળામાં હર્ષા અને આરોપી કરણ પરત ફરે છે તેવી બાબત બનેલ હતી.આ કેસમાં આરોપી પક્ષે દલીલ કરવામાં આવી કે, કાવતરા માટે જે ઓડિયો ક્લિપ મોબાઇલમાંથી કબજે કરવામાં આવેલી છે તેમાં અન્ય આરોપી સોમજીભાઈ જેઠાભાઈએ ગુનાનी દુષ્પ્રેરણા આપી હોય તેવું જણાતું નથી તથા આરોપી હર્ષાએ પણ ગુનાનું દુષ્પ પ્રેરણ કરેલું હોય તેવું જણાતું નથી.
આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરતી વખતે જે છરીના ઘા છે તે ડોક્ટર હિતેશ લાલજીભાઈ કાલરીયાની જુબાનીમાંથી જોવામાં આવે તો છરી કરકરીયા વાળી હતી અને ઇજા છે તે સીધી છે ત્યારે નજરે જોનાર સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપેલ નથી ત્યારે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા જોઈએ તેવું જણાવેલ.જેની સામે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે, સર્વોચ્ચ અદાલતના પરમજીતસિંહ વિરુદ્ધ સ્ટેટ ઓફ ઉત્તરાખંડના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાન લેવામાં આવે તો તમામ સાહેદ ફરી જાય તો પણ તપાસ કરનાર અધિકારીની જુબાનીને પણ ધ્યાને લઈ અને નામદાર અદાલત તકસીરવાન ઠરાવી શકે જ્યારે તેમણે દલીલ કરતાં જણાવેલું હતું કે, માણસ ખોટું બોલી શકે પરંતુ સંજોગો ખોટું બોલી શકે નહીં અને સીસીટીવી ફૂટેજમાં જે ઘટના ક્રમ છે તે આરોપી ઉપર ગંભીર શંકા દર્શાવે તે રીતનો છે.
પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર એક પોતાની જુબાનીમાં જણાવેલ છે કે મુદ્દામાલની જે છરી છે તેનાથી મરણ જનારના શરીર ઉપર જે ઇજાઓ હતી તે ઇજાઓ સંભવી શકે અને આ ઇજાઓ પ્રાણ ઘાતક હતી મૃત્યુ નીપજાવવા માટે પર્યાપ્ત હતી ત્યારે વિશેષમાં ઓનર કિલિંગનો કેસ છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં જવલેજ આવા કિસ્સા બનતા હોય છે અને હાલના કિસ્સામાં તપાસ કરનાર અધિકારી ગજેન્દ્રસિંહ જામભા ઝાલા તથા હેમેન્દ્ર માણસુરભાઈ ધાંધલને ન માનવાને કોઈ કારણ નથી કારણ કે, ગજેન્દ્રસિંહ દ્વારા તપાસ દરમિયાન આરોપીઓને અશોક લેલન સાથે પકડેલા અને આ અશોક લેલનમાંથી પ્રાણ ઘાતક હથિયાર એટલે કે, છરીની રિકવરી કરેલી છે જેમાં એફએસએલ અધિકારીના રિપોર્ટ પ્રમાણે આ છરી ઉપરથી મરણ જનાર બંનેનું બ્લડ ગ્રુપ ઓ હતું તે બ્લડ સેમ્પલ મળેલા છે અને સંયોગીક પુરાવો જોતા આરોપીઓને તકસીરવાન ઠરાવવા જોઈએ.
આ કેસમાં બંને પક્ષની દલીલોને સાંભળી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી હર્ષા ઉર્ફે કીર્તિ તથા સોમજીભાઈ જેઠાભાઇ સિંગરખીયાને ગુનાહિત કાવતરા અને હત્યામાં મદદ કરવાની કલમોમાંથી શંકાનો લાભ આપી છોડેલા છે જ્યારે આરોપી કરણ ઉર્ફે સુનિલ સોમજી સિંગરખીયાને આજીવન કેદની સજા અને રૂપિયા 5000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસના નજરે જોનાર સાહેદો તથા ફરિયાદી પણ હોસ્ટાઇલ જાહેર થયેલા પરંતુ મનુષ્ય ખોટું બોલી શકે છે પણ સંજોગો નહીં તે સિદ્ધાંતને ધ્યાને લઈ અને આરોપી સુનિલ ઉર્ફે કરણની માતાની જુબાનીને ધ્યાને લઈ હાલનો ચુકાદો આપવામાં આવેલ છે.
આ પણ વાંચો:ઉત્તર પ્રદેશના અમરોહામાં બાળકોથી ભરેલી સ્કૂલ વાન પર ફાયરિંગ અને પથ્થરમારો
આ પણ વાંચો:અમદાવાદમાં સ્કૂલ વાનને નડ્યો અકસ્માતઃ જાનહાનિ નહીં
