Maharashtra News : મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદના ડ્રાઇવરને 150 કરોડ રૂપિયાની જમીન ભેટમાં આપવાના મામલે વિવાદ ઉભો થયો છે. હૈદરાબાદના દીવાન રહી ચૂકેલા પ્રખ્યાત સાલાર જંગના પરિવાર દ્વારા આ જમીન ગિફ્ટ કરવામાં આવી છે.જેમાં છત્રપતિ સંભાજીનગરના સાંસદ સંદીપનરાવ ભૂમરેના ડ્રાઇવર જાવેદ રસૂલ શેખને ભેટમાં આપવામાં આવેલી જમીનની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા છે. એક સામાન્ય ડ્રાઇવરને 1.5 અબજ રૂપિયાની ભેટ આપવામાં આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ડ્રાઈવર જાવેદ રસૂલ શેખ છેલ્લા 13 વર્ષથી શિવસેના સાંસદ સંદીપનરાવ ભૂમરે અને ધારાસભ્યના પુત્ર વિલાસ ભૂમરેની કાર ચલાવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે હૈદરાબાદના પ્રખ્યાત સાલાર જંગ પરિવારે મને સંભાજીનગરના જાલના રોડ પર દાઉદપુરામાં કિંમતી જમીન દાનમાં આપી હતી. તેમના દાવાના સમર્થનમાં, તેમણે હિબાનામા એટલે કે દાન પત્ર પણ રજૂ કર્યું છે, જેના પર સાલાર જંગના વારસદારોમાંના એક મીર મઝહર અલી ખાન અને તેમના 6 સંબંધીઓના હસ્તાક્ષર છે.પોલીસ કમિશનર પ્રવીણ પવારે જણાવ્યું હતું કે આ કેસમાં જાવેદને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
પરભણીના એક વકીલે આ સોદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને ત્યારબાદ સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ મામલે વકીલનું કહેવું છે કે, ‘કોઈ આટલી મોંઘી અને પ્રાઇમ લોકેશનની જમીન ડ્રાઇવરને કેમ ભેટમાં આપશે? આવી સ્થિતિમાં, આ ગિફ્ટ ડીડની તપાસ થવી જોઈએ.’ પોલીસે આ કેસમાં માહિતી એકત્રિત કરવા માટે મીર મઝહર અલી ખાન અને સાલાર જંગ પરિવારના અન્ય 6 સભ્યોનો સંપર્ક કર્યો છે. આ ગિફ્ટ ડીડ વિશે પરિવાર દ્વારા હજુ સુધી કોઈ વિગતો આપવામાં આવી નથી. તેમજ સાંસદના પુત્ર વિલાસે આ બાબતે વાંધો ઉઠાવ્યો છે.
વિલાસ ભૂમરેએ કહ્યું કે, ‘આ મામલો ડ્રાઈવર સાથે જોડાયેલો છે, પરંતુ પોલીસ આ મામલે મારું અને મારા પિતાનું નામ બળજબરીથી ખેંચી રહી છે. આર્થિક ગુના શાખાની ટીમે મારી પણ પૂછપરછ કરી રહી છે. હું કહું છું કે જાવેદ અમારો ડ્રાઈવર હોવા છતાં, તેમની સાથે જોડાયેલી દરેક બાબત પર અમારું કોઈ નિયંત્રણ નથી.’
આ પણ વાંચો:ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોવાની શક્યતા નથી, ટ્રમ્પના વિદેશમંત્રીની શાહબાઝ શરીફ સાથે ચર્ચા
