Saputara Lake Mock Drill News: ડાંગ જિલ્લા કલેક્ટર અને સાપુતારા(Saputara) ચીફ ઓફિસરની હાજરીમાં સાપુતારાના સર્પગંગા તળાવ ખાતે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશેષ મોકડ્રિલ યોજાઈ હતી. બોટિંગ દરમિયાન પ્રવાસી પાણીમાં પડી જાય અથવા મોટી બોટ દુર્ઘટનાગ્રસ્ત થાય તેવી પરિસ્થિતિ ઊભી કરીને બચાવ કામગીરીનું પ્રેક્ટિકલ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સર્પગંગા તળાવમાં રેસ્ક્યૂ ઓપરેશનનું જીવંત ડેમો
મોકડ્રિલ દરમિયાન એક પ્રવાસી બોટમાંથી પાણીમાં પડી ગયો હોય તેવી કૃત્રિમ સ્થિતિ બનાવવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ સક્રિય થઈ હતી. SDRF અને અન્ય ટીમોએ આધુનિક સાધનો તથા બચાવની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાણીમાં પડેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

બોટિંગ સ્ટાફને SDRF દ્વારા વિશેષ તાલીમ
જિલ્લા ડિઝાસ્ટર વિભાગ અને SDRFની ટીમ દ્વારા સાપુતારાના(Saputara) બોટિંગ સ્ટાફને પણ ખાસ તાલીમ આપવામાં આવી હતી. અકસ્માત સમયે તાત્કાલિક કયા પગલાં લેવા, પાણીમાં પડેલી વ્યક્તિ સુધી ઝડપથી કેવી રીતે પહોંચવું અને તેને સલામત રીતે કિનારે કેવી રીતે લાવવી તે અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાયું હતું. જો બોટિંગ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય અને એકસાથે અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો અલગ-અલગ વિભાગો વચ્ચે ઝડપી સંકલન કેવી રીતે જાળવવું તેની પણ કવાયત કરવામાં આવી હતી. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ ઇમરજન્સી સમયે બચાવ કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો તથા જાનહાનિ અટકાવવાનો હતો.

વિવિધ વિભાગોના અધિકારીઓ અને ટીમો જોડાઈ
મોકડ્રિલમાં સાપુતારા(Saputara) ચીફ ઓફિસર, DPO ડિઝાસ્ટર, મામલતદાર ડિઝાસ્ટર અને સાપુતારા પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મેડિકલ ઓફિસર, ફોરેસ્ટ વિભાગ, DGVCL, ફાયર ટીમ, SDRF જવાનો અને બોટિંગ સ્ટાફે પણ કવાયતમાં સક્રિય ભાગ લીધો હતો. તંત્ર દ્વારા પ્રવાસીઓને બોટિંગ વખતે સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને દરેક પ્રવાસીએ લાઇફ જેકેટ પહેરવું અને બોટિંગ સ્ટાફની સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. મોકડ્રિલ દ્વારા પ્રવાસીઓને સુરક્ષિત પ્રવાસ માટે તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, સાપુતારાથી નવ કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવાયા
આ પણ વાંચો: ડાંગના સાપુતારા નજીક ભૂકંપનો હળવો આંચકો, 2.8ની તીવ્રતાનો ઝટકો
આ પણ વાંચો: સાપુતારા ઘાટ પર ટેમ્પો પલ્ટી ખાતા 13 જાનૈયાઓ ઘાયલ, સદનસીબે જાનહાનિ નહીં
