Vadodara Medical Admission Scam: વડોદરા શહેરમાં મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થીના પિતા પાસેથી રૂ.55 લાખ પડાવી લીધાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ એડમિશનની ખાતરી આપી શરૂઆતમાં બેંક મારફતે રૂ.10 લાખ લીધા હતા, જ્યારે ત્યારબાદ રૂ.45 લાખ રોકડા મેળવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ વિદ્યાર્થીને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવામાં આવ્યો નહોતો. નાણાં પરત માંગતા આરોપીઓએ આપેલા ચેક પણ બાઉન્સ થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જાહેરાત જોઈ મેડિકલ એડમિશન માટે કર્યો સંપર્ક
સુભાનપુરાના અમૃતા પાર્કમાં રહેતા 56 વર્ષીય દિક્ષીત મુકેશકુમાર સુરેન્દ્રભાઈએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના પુત્ર શિવાંગે ધોરણ-12 સાયન્સ પૂર્ણ કર્યું હતું અને તેને મેડિકલ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરાવવાની ઈચ્છા હતી. આ દરમિયાન મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની જાહેરાત અંગે માહિતી મળતા એપ્રિલ 2019માં આપેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો.
રૂ.60 લાખનો ખર્ચ કહી શરૂઆતમાં 10 લાખ લીધા
ફરિયાદ મુજબ, અજીતેષકુમાર(Vadodara) સારંગી સહિતના લોકોએ શિવાંગને મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવવાની ખાતરી આપી હતી. સમગ્ર પ્રક્રિયા માટે આશરે રૂ.60 લાખનો ખર્ચ થશે તેમ કહી શરૂઆતમાં રૂ.10 લાખ માંગવામાં આવ્યા હતા. ફરિયાદીએ યુનિયન બેંકના ત્રણ ચેક દ્વારા કુલ રૂ.10 લાખ ‘ઓરબીટલ કેરિયર’ના ખાતામાં જમા કરાવ્યા હતા. આરોપીઓએ એડમિશનની કાર્યવાહી શરૂ થઈ હોવાનું જણાવી મોબાઇલમાં કેટલાક દસ્તાવેજો અને લેટર પણ બતાવ્યા હતા. ત્યારબાદ મે-જૂન 2019 દરમિયાન NEETની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું કહી વધુ રૂ.45 લાખ રોકડા તૈયાર રાખવા જણાવ્યું હતું. ફરિયાદીએ આ રકમ પણ આરોપીઓને આપી હતી. આમ કુલ રૂ.55 લાખ ચૂકવવામાં આવ્યા હતા.
5 લોકો સામે કાવતરું અને છેતરપિંડીની ફરિયાદ
NEET પરીક્ષા બાદ પણ શિવાંગને(Vadodara) 2019માં મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો નહોતો. ત્યારે આરોપીઓએ 2020માં એડમિશન ચોક્કસ થઈ જશે તેવી ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ પણ પ્રવેશ ન મળતાં પરિવારને શંકા ગઈ હતી. ફરિયાદીએ પોતાની રકમ પરત માંગતા આરોપીઓએ નાણાં પરત આપવા માટે બેંકના ચેક આપ્યા હતા. પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા. લાંબા સમય બાદ પણ રૂ.55 લાખ પરત ન મળતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે વડોદરાના(Vadodara) અજીતેષ સારંગી, તેજલ અજીતેષ સારંગી, યાજનીક ચંદ્રેશ દિવ્યકાંત તેમજ દિલ્હીના રણજીત મુખીયા અને સંજીવ ઝા સામે પૂર્વઆયોજિત કાવતરું રચી મેડિકલ એડમિશનના બહાને રૂ.55 લાખની છેતરપિંડી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, સાપુતારાથી નવ કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવાયા
આ પણ વાંચો: ડાંગના સાપુતારા નજીક ભૂકંપનો હળવો આંચકો, 2.8ની તીવ્રતાનો ઝટકો
આ પણ વાંચો: સાપુતારા ઘાટ પર ટેમ્પો પલ્ટી ખાતા 13 જાનૈયાઓ ઘાયલ, સદનસીબે જાનહાનિ નહીં
