Philippines Earthquake 7.0: ફિલિપાઇન્સના દક્ષિણ મિન્ડાનાઓ તટ નજીક સોમવારે 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર નોંધાતા તેની અસર વ્યાપક રીતે અનુભવાઈ હતી. ભૂકંપ બાદ ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા સહિત અનેક દેશોમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
અમેરિકન અને પ્રશાંત સુનામી વોર્નિંગ સેન્ટર સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મીટરથી વધુ ઊંચી લહેરો ઊભી થવાની શક્યતા વ્યક્ત કરી છે. કેટલાક વિસ્તારોમાં આગામી કલાકોમાં દરિયાઈ મોજાં વધુ ખતરનાક બની શકે તેવી ચેતવણી આપવામાં આવી છે.

ફિલિપાઇન્સની જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થા (PHIVOLCS)એ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધતાં સંભવિત જાનમાલના નુકસાન અને સુનામીના જોખમ અંગે એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ કેટલાક વિસ્તારોમાં ઇમારતોમાં તિરાડો પડી છે અને કેટલાક મકાનોને નુકસાન પહોંચ્યું છે.
અધિકારીઓએ દરિયાકાંઠે રહેતા લોકોને વિલંબ કર્યા વગર સુરક્ષિત અને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડાવાની અપીલ કરી છે. સંસ્થાના વડા ટેરેસિટો બાકોલકોલે જણાવ્યું કે લોકો પોતાની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે અને જરૂર પડે તો અંદરના વિસ્તારોમાં સ્થળાંતર કરે.

બીજી તરફ ઇન્ડોનેશિયાએ પણ બોર્નિયો દ્વીપના કાલિમંતન તેમજ સુલાવેસી સહિતના અનેક વિસ્તારો માટે સુનામી એલર્ટ જાહેર કર્યું છે. ત્યાં ત્રણ મીટર સુધીની ઊંચી લહેરો ઉછળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર ફિલિપાઇન્સના જનરલ સાન્ટોસ શહેરમાં એક ઇમારતનો ભાગ ધરાશાયી થયો છે. ઉત્તર સુલાવેસી અને ઉત્તર માલુકુ પ્રાંતોમાં પણ ભૂકંપના ઝટકાઓ અનુભવાયા હતા.
આ ઉપરાંત તાઇવાન, જાપાન, ગુઆમ, પાપુઆ ન્યૂ ગિની અને પશ્ચિમ પ્રશાંત મહાસાગરના કેટલાક દ્વીપીય વિસ્તારોમાં પણ નાની સુનામી લહેરો જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઈરાને ઇઝરાયલ પર 11 મિસાઇલ દાગી; અનેક શહેરોમાં સાયરન વાગ્યા
આ પણ વાંચો: ઈરાનની $24 અબજની સંપત્તિ હડપવાનો અમેરિકાનો પ્લાન? ટ્રમ્પના નિર્ણયથી તેલ સંકટ વધશે
આ પણ વાંચો: અમેરિકાના ઓહિયોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 8 લોકો ઘાયલ
