World News/ ઈરાને ઇઝરાયલ પર 11 મિસાઇલ દાગી; અનેક શહેરોમાં સાયરન વાગ્યા

ઈરાને (Iran) ઇઝરાયલ પર 11 મિસાઇલ ફાયર કરતાં એલર્ટ જાહેર કરાયું અને સંભવિત જવાબી કાર્યવાહીને લઈને ચિંતા વધી.

Top Stories World
iran

 Iran Missile Attack: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 8 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ (સીજફાયર) બાદ એક વખત ફરી મધ્યપૂર્વમાં તણાવ વધી ગયો છે. ઈરાને રવિવારે મોડી રાત્રે ઇઝરાયલ તરફ એક સાથે 11 મિસાઇલ ફાયર કરતા સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે. હુમલા બાદ ઇઝરાયલના અનેક શહેરોમાં એલર્ટ સાયરન વાગી ઉઠ્યા હતા અને સુરક્ષા દળો તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના જણાવ્યા અનુસાર, સીજફાયર પછીનો આ પ્રથમ મોટો મિસાઇલ હુમલો છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે ઈરાન તરફથી મિસાઇલ લોન્ચ થવાની જાણ થતાં જ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરવામાં આવી હતી. દેશના અનેક વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવા સૂચના આપવામાં આવી હતી.

ઇઝરાયલ તરફ આવી રહેલી બે મિસાઇલને હવામાં જ નિષ્ક્રિય કરવામાં આવી હતી. જોકે વધુ મિસાઇલ હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સેનાએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

ઇઝરાયલી એર ફોર્સ (IAF)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ સતત કાર્યરત છે અને નાગરિકોને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

નેતન્યાહૂએ બોલાવી તાત્કાલિક બેઠક

અહેવાલો મુજબ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પરિસ્થિતિની સમીક્ષા કરવા તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવી હતી. ઈરાન તરફથી થયેલા હુમલા બાદ સંભવિત જવાબી કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

હુમલાની પાછળ શું છે કારણ?

આ તણાવની પૃષ્ઠભૂમિમાં રવિવારે હિઝબુલ્લાહ દ્વારા ઇઝરાયલ પર કરાયેલા હુમલા બાદ ઇઝરાયલે બેરૂતના દાહિયેહ વિસ્તારમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઈરાને આ કાર્યવાહીનો કડક વિરોધ કરતાં જવાબી હુમલાની ચેતવણી આપી હતી.

ઈરાનની અગાઉની ચેતવણી

ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ અગાઉ નિવેદન આપતાં કહ્યું હતું કે દાહિયેહ પર થયેલા હુમલાનો “નિર્ણાયક અને કડક જવાબ” આપવામાં આવશે.

હતાહત અંગે શું માહિતી?

કેટલાક અહેવાલો અનુસાર, ઇઝરાયલમાં એક વ્યક્તિના મોત અને અનેક લોકો ઘાયલ થયાની માહિતી પણ સામે આવી છે. સ્થાનિક પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને તેને સંભવિત આતંકી હુમલા સાથે જોડીને પણ તપાસવામાં આવી રહી છે.

વૈશ્વિક સ્તરે વધતી ચિંતા

મધ્યપૂર્વમાં ફરી વધેલા આ તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ઈરાનની $24 અબજની સંપત્તિ હડપવાનો અમેરિકાનો પ્લાન? ટ્રમ્પના નિર્ણયથી તેલ સંકટ વધશે

આ પણ વાંચો : ઘટતો જન્મદર ભારત માટે કેમ ખતરનાક? એલોન મસ્કે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી મોટી ચિંતા

આ પણ વાંચો : અમેરિકામાં H-1B વિઝાના નિયમો થશે કડક, અવધિ 6 વર્ષથી ઘટાડી માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ