World News/ અમેરિકામાં H-1B વિઝાના નિયમો થશે કડક, અવધિ 6 વર્ષથી ઘટાડી માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ

અમેરિકામાં ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ ઓફ 2026’ બિલ રજૂ કરાયું છે, જે H-1B વિઝા ધારકો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો મુશ્કેલ બનાવી શકે છે. વિઝાનો સમયગાળો પણ 6 વર્ષથી ઘટાડી 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. વાંચો વિગત.

international Top Stories World
H-1B થી ગ્રીન કાર્ડનો રસ્તો થશે બંધ?

US H-1B Visa Bill 2026: અમેરિકામાં આઈટી (IT) પ્રોફેશનલ્સ અને ગ્રીન કાર્ડ મેળવવાની આશા રાખીને બેઠેલા લાખો ભારતીયો માટે એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા અમેરિકન સંસદના નીચલા ગૃહ (House of Representatives) માં ‘અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ એક્ટ ઓફ 2026’ નામનું બિલ રજૂ કરાયું છે. આ બિલનો મુખ્ય હેતુ H-1B વિઝા પ્રોગ્રામમાં પાયાના ફેરફારો કરીને અમેરિકાના સ્થાનિક કર્મચારીઓની નોકરીઓનું રક્ષણ કરવાનો છે. પરંતુ, જો આ બિલ કાયદો બની જશે તો H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાનો પરંપરાગત રસ્તો લગભગ કાયમ માટે બંધ થઈ જશે.

બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ

આ બિલની સૌથી ખતરનાક જોગવાઈ એ છે કે, H-1B વિઝા માટે અરજી કરનારા વિદેશી નાગરિકોએ પોતાના વતનમાં કાયમી રહેઠાણ જાળવી રાખવું પડશે અને તેને છોડવાનો તેમનો કોઈ ઈરાદો નથી તેવું કાનૂની રીતે સાબિત કરવું પડશે.

ઇમિગ્રેશન એક્સપર્ટ્સના મતે, આ નવી શરત વર્ષોથી ચાલી આવતી ‘ડ્યુઅલ ઇન્ટેન્ટ’ (બેવડા હેતુ) ની વ્યવસ્થાનો સંપૂર્ણ અંત આણશે. અત્યાર સુધી આ વ્યવસ્થા હેઠળ જ H-1B વિઝા ધારકો અમેરિકામાં લીગલ કામ કરવાની સાથે-સાથે ત્યાં કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીન કાર્ડ માટે પણ અરજી કરી શકતા હતા. આ જોગવાઈ નાબૂદ થવાથી અમેરિકામાં કાયમી સ્થાયી થવાનું સપનું જોતા ભારતીયોને મોટો ફટકો પડશે.

બિલમાં સૂચવવામાં આવેલા 6 મોટા અને કડક ફેરફારો:

ઊંચું વેતન ધોરણ: H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓના વાસ્તવિક વેતન જેટલું અથવા મજૂર વિભાગ દ્વારા નક્કી કરાયેલા 75th પર્સેન્ટાઇલ મુજબનું ઊંચું વેતન ચૂકવવું પડશે. એટલે કે કંપનીઓ સસ્તા પગારે વિદેશીઓને નોકરી પર નહીં રાખી શકે.

અમેરિકનોને પ્રાથમિકતા: કંપનીઓએ સરકારી પ્લેટફોર્મ પર ઓફિશિયલ જાહેરાત આપી સાબિત કરવું પડશે કે આ પદ માટે કોઈ લાયક અમેરિકન કર્મચારી ઉપલબ્ધ નથી.

5% ની મર્યાદા: કોઈ પણ કંપની પોતાના કુલ કર્મચારીબળમાં બિન-ઇમિગ્રન્ટ (વિદેશી) કર્મચારીઓનો હિસ્સો 5% થી વધુ રાખી શકશે નહીં.

છટણી પર કડક પ્રતિબંધ: H-1B અરજી દાખલ કરવાના 1 વર્ષ પહેલાં અથવા પછીના 1 વર્ષ સુધી કંપની સમાન પદ પરથી કોઈ અમેરિકન કર્મચારીને નોકરીમાંથી છૂટો કરી શકશે નહીં.

વિઝાના સમયમાં મોટો ઘટાડો: H-1B વિઝાનો મહત્તમ સમયગાળો, જે હાલમાં 6 વર્ષનો છે, તે સીધો ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.

લોટરી સિસ્ટમ બંધ: હાલની નસીબ આધારિત લોટરી પ્રણાલીને સંપૂર્ણ બંધ કરીને, વિઝાની ફાળવણી સીધી ઊંચા વેતનના સ્તર (Salary Level) ના આધારે કરાશે.

ભારતીયો પર આની શું અસર થશે?

અમેરિકાના H-1B વિઝા કાર્યક્રમનો સૌથી વધુ લાભ હંમેશાં ભારતીય એન્જિનિયર્સ અને પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે. અમેરિકન ઇમિગ્રેશન સર્વિસ (USCIS) ના સત્તાવાર આંકડા દર્શાવે છે કે:

નાણાકીય વર્ષ 2024 માં મંજૂર થયેલા અંદાજે 4 લાખ નવા H-1B વિઝામાંથી 2.83 લાખ એટલે કે આશરે 71% વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા.

હાલમાં 12.6 લાખથી વધુ ભારતીયો (પરિવારના આશ્રિત સભ્યો સહિત) રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છે.

જો આ બિલ પાસ થશે તો લાખો ભારતીયોના ‘અમેરિકન ડ્રીમ’ને મોટો ઝટકો લાગશે. જો કે, અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષો વચ્ચે આ મુદ્દે ભારે વૈચારિક મતભેદો હોવાથી, બિલને કાયદો બનવા માટે સંસદની જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, જેથી તે પસાર થશે કે નહીં તે હજુ સંપૂર્ણપણે અનિશ્ચિત છે.


આ પણ વાંચો : ઉચ્ચ લાયકાત છુપાવીને ઓછી લાયકાતની નોકરી મેળવવી અયોગ્ય: સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો : મતદાન અને ચૂંટણી લડવી મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે આપી મોટી સ્પષ્ટતા

આ પણ વાંચો : SIR બંધારણીય રીતે યોગ્ય…’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને રાહત આપી, CJI સૂર્યકાન્તનો ચુકાદો