Iran Israel War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ સલાહને અવગણીને ઇઝરાયલે ઈરાન (Iran-Israel) સામે મોટું સૈન્ય ઓપરેશન હાથ ધર્યું છે. ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં આવેલા અનેક મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ હુમલા બાદ સમગ્ર મધ્યપૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
ઇઝરાયલી સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને હુમલાની સત્તાવાર માહિતી આપી હતી. રાજધાની તેહરાન ઉપરાંત ઇસ્ફહાન અને તબ્રીઝ સહિતના અનેક શહેરોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હોવાનું જણાવાયું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈરાને તાત્કાલિક અસરથી તેહરાન સ્થિત ઇમામ ખુમૈની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આસપાસનો હવાઈ વિસ્તાર બંધ કરી દીધો છે. સુરક્ષા કારણોસર એર ટ્રાફિક પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ હુમલા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ટ્રમ્પે ઈરાન સામે કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહીથી દૂર રહેવાની સલાહ આપી હતી, પરંતુ ઇઝરાયલે આ સૂચનાને અવગણીને હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ થયેલા યુદ્ધવિરામ બાદ ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા હતા. ઈરાનનો આરોપ હતો કે સીઝફાયર હોવા છતાં ઇઝરાયલ લેબનોનમાં હુમલાઓ ચાલુ રાખી રહ્યું હતું. ત્યારબાદ બંને દેશો વચ્ચે ફરીથી હુમલા અને જવાબી હુમલાનો સિલસિલો શરૂ થયો છે.
વિશ્લેષકોના મતે, જો આ તણાવ જલ્દી કાબૂમાં નહીં આવે તો મધ્યપૂર્વમાં વધુ વ્યાપક અને વિનાશક સંઘર્ષ સર્જાઈ શકે છે. હાલ સમગ્ર વિશ્વની નજર ઇઝરાયલ-ઈરાન વચ્ચેની વધતી જતી સ્થિતિ પર ટકેલી છે.
આ પણ વાંચો: ઈરાને ઇઝરાયલ પર 11 મિસાઇલ દાગી; અનેક શહેરોમાં સાયરન વાગ્યા
આ પણ વાંચો: ફિલિપાઇન્સમાં ભૂકંપ પછી સુનામી, અનેકો ઘર પડ્યા ચેતવણીથી દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ
આ પણ વાંચો: અમેરિકાના ઓહિયોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 8 લોકો ઘાયલ
