Monsoon Update India: દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં 12 રાજ્યોને આવરી ચૂક્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર ચોમાસું કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ તેમજ ઉત્તર-પૂર્વના અનેક રાજ્યોમાં પહોંચી ગયું છે. બીજી તરફ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે રાજસ્થાન, દિલ્હી સહિતના રાજ્યોમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રવિવારે વરસાદ સાથે કરા પડ્યા હતા, જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં તીવ્ર પવન અને આંધી જોવા મળી હતી. દિલ્હીમાં પણ હવામાન અચાનક બદલાતા ભારે પવન અને વરસાદના કારણે એર ઈન્ડિયાના ત્રણ વિમાનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે ત્રણેય વિમાનોને તાત્કાલિક સેવા બહાર રાખવામાં આવ્યા છે.
દિલ્હીમાં ફરી વધશે ગરમી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં સોમવારથી ફરી ગરમીનું જોર વધશે. આગામી દિવસોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. આગામી સપ્તાહ દરમિયાન હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
આ રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે ચોમાસું
6 જૂન સુધીમાં ચોમાસું કેરળ, કર્ણાટક, ગોવા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સુધી પહોંચી ગયું છે. જ્યારે 8 જૂનથી 5 જુલાઈ દરમિયાન ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંડીગઢમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે.
પાંચ રાજ્યોમાં હીટવેવ ચેતવણી
હવામાન વિભાગે રાજસ્થાન સહિત પાંચ રાજ્યો માટે લૂનું એલર્ટ જાહેર કર્યું છે. 7 થી 11 જૂન દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગરજ-ચમક સાથે ભારે ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે.
સૌથી ગરમ શહેર બન્યું શ્રીગંગાનગર
રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ હતું. બીજી તરફ રાજસ્થાનનું શ્રીગંગાનગર 44.8 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું.
આગામી બે દિવસનું હવામાન
9 જૂન: કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદ સાથે આંધી-તૂફાન આવી શકે છે. પૂર્વ રાજસ્થાનમાં 30થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
10 જૂન: કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં વરસાદની આગાહી છે. બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને અંડમાન-નિકોબારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભ વિસ્તારમાં 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત રહી શકે છે.
આ પણ વાંચો: પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં ગુજરાતના પાંચ સાંસદોને કેબિનેટમાં સ્થાન
આ પણ વાંચો: મોદી સરકાર કરી શકે છે કેબિનેટનું વિસ્તરણ, ચૂંટણી પર રહેશે ફોકસ
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીમંડળમાં થઇ શકે છે મોટો ફેરફાર,સંગઠનમાં પણ થશે બદલાવ!
