Ayodhya News : નવા વર્ષની ઉજવણી પહેલાં દેશના મુખ્ય ધાર્મિક સ્થળો અયોધ્યા, કાશી અને મથુરા-વૃંદાવનમાં ભક્તોની અતિશય ભીડ ઉમટી પડી છે. સ્થિતિ એવી છે કે અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે અને કાશીમાં બાબા વિશ્વનાથના મંદિરમાં પ્રવેશ માટે 2થી 2.5 કિલોમીટર લાંબી લાઇનો લાગી ગઈ છે. વૃંદાવન (vrindavan)માં તો મહાકુંભ જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી.
વધતી ભીડને ધ્યાનમાં રાખીને વૃંદાવન (vrindavan)ના પ્રસિદ્ધ બાંકે બિહારીમંદિર તંત્રએ 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુઓને વૃંદાવન ન આવવાની અપીલ કરી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં ભીડ સંભાળવી અત્યંત મુશ્કેલ બની રહી છે અને કોઈ પણ દુર્ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમવારે ક્યાં કેટલા શ્રદ્ધાળુઓ?
-
અયોધ્યા: રામ મંદિર અને હનુમાનગઢી આસપાસ અંદાજે દોઢ લાખ શ્રદ્ધાળુઓ હાજર
-
કાશી: બાબા વિશ્વનાથના દર્શન માટે લગભગ 3 લાખ ભક્તો પહોંચ્યા
-
વૃંદાવન(vrindavan): 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ; સાથે જ ગિરિરાજ, નંદગાંવ, બરસાના અને મથુરામાં પણ ભારે ભીડ
અયોધ્યામાં ભક્તોની અવિરત ધારા

અયોધ્યામાં વહેલી સવારથી જ દૂર-દૂરના વિસ્તારોમાંથી ભક્તો પગપાળા રામ મંદિર તરફ આવી રહ્યા છે. હનુમાનગઢી અને રામલલ્લાના દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં લોકો સરયુ નદીના કિનારે પહોંચી સ્નાન અને પૂજા કરી રહ્યા છે. ભક્તોનું કહેવું છે કે રામ મંદિરના દર્શનથી તેમને આધ્યાત્મિક શાંતિ અને દૈવી અનુભવ મળી રહ્યો છે.
વૃંદાવનમાં વહીવટી વ્યવસ્થા પર સવાલ
વૃંદાવન (vrindavan)ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરીએ વહીવટી વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું,“અહીં પૂરતી વ્યવસ્થા નથી. કેટલાક સ્થળોએ ગોસાંઈઓ નિધિવનના દરવાજા બંધ કરી દે છે. તાજેતરમાં એક મહિલા ભીડમાં પડી ગઈ હતી, જેને ભારે મુશ્કેલીથી બચાવવામાં આવી.”
આ ઘટના બાદ ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
કાશીમાં કડક સુરક્ષા અને રિયલ-ટાઇમ મોનિટરિંગ

કાશીના ગોદૌલિયા અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને કંટ્રોલ રૂમમાંથી રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટેક્નોલોજીથી ટ્રાફિક નિયંત્રણ અને ભીડ સંભાળવામાં મોટી મદદ મળી રહી છે.
પ્રશાસનની અપીલ
પ્રશાસને ભક્તોને અપીલ કરી છે કે શક્ય હોય તો થોડા દિવસો બાદ દર્શન માટે આવો, સ્થાનિક માર્ગદર્શિકાનું પાલન કરો અને ભીડમાં ધીરજ રાખો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
