Madhyapradesh News : શિવપુરી પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયા કાર અકસ્માત (Accident) માં ઘાયલ થયા છે. તેઓ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના પ્રમુખ પણ છે. મળતી માહિતી મુજબ, અચાનક બ્રેક લાગવાના કારણે અકસ્માત (Accident) થતા તેમને છાતીમાં ઈજા પહોંચી હતી.
સોમવારે શિવપુરીની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે મહાઆર્યમન સિંધિયા કોલારસ વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત યુવા સંમેલનમાં હાજરી આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક ક્રિકેટ ટુર્નામેન્ટની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ કારના સનરૂફમાંથી બહાર ઊભા રહી સમર્થકોનું સ્વાગત કરી રહ્યા હતા.
અકસ્માત (Accident) થતા તેમની છાતી કારના આગળના ભાગ સાથે અથડાઈ
આ દરમિયાન ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવતાં તેઓનું સંતુલન બગડ્યું અને અકસ્માત (Accident) થતા તેમની છાતી કારના આગળના ભાગ સાથે અથડાઈ ગઈ, જેના કારણે તેમને ઈજા પહોંચી. શરૂઆતમાં ઈજાને સામાન્ય માનીને તેમણે કાર્યક્રમો ચાલુ રાખ્યા હતા, પરંતુ સાંજ સુધીમાં છાતીમાં દુખાવો વધતા સાવચેતી રૂપે તેમને તાત્કાલિક શિવપુરી જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા સીટી સ્કેન સહિતની તપાસ કરવામાં આવી હતી. હાલ હોસ્પિટલ વહીવટીતંત્ર તેમની તબિયત પર નજીકથી નજર રાખી રહ્યું છે. તબીબી સૂત્રો મુજબ, મહાઆર્યમન સિંધિયાની હાલત સ્થિર છે અને કોઈ ગંભીર જોખમ નથી તેવી માહિતી મળી છે.
