Gandhinagar News/ ગુજરાતમાં સાત જિલ્લામાં 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પીએમ મોદીએ જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં 3,540 એકરમાં નિર્માણ પામનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરી હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સહભાગી બનતા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોની અપાર શક્તિ અને ક્ષમતાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની પોતાની તાકાત છે, પછી તે કોસ્ટલ લાઈનનું સામર્થ્ય હોય, ટ્રાયબલ બેલ્ટ હોય, ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર હોય કે ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા હોય.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં 3,540 એકરમાં નિર્માણ પામનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરી હતી. તેમજ વડાપ્રધાનશ્રીના હસ્તે રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે 336 એકરમાં નવનિર્મિત મેડિકલ ડીવાઈસ પાર્કનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
તેમણે રોકાણકારો માટે “આ જ સમય છે, સાચો સમય છે” તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જેનું વાઇબ્રન્ટ સમિટ ઉત્તમ પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે, ભારત દેશ ”વિકસિત ભારત” બનવા તરફ હરણફાળ ગતિએ આગળ ધપી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણકારો રોકાણ કરવાનો આ જ શ્રેષ્ઠ સમય છે. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ધરતી એ શીખવ્યું છે કે, પડકાર ગમે તેટલો મોટો કેમ ન હોય, જો ઈમાનદારી અને મહેનતથી મક્કમ રહીએ તો સફળતા જરૂર મળે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ પરિશ્રમથી તેમનું ભાગ્ય બદલ્યું છે.


સૌરાષ્ટ્ર અને કચ્છ માત્ર તકોનો પ્રદેશ નથી, પરંતુ ભારતના ગ્રોથનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં આ પ્રદેશની ભૂમિકા ખૂબ મોટી છે, એમ કહી જણાવ્યું હતું કે, આજે રાજકોટમાં જ અઢી લાખથી વધુ MSME કાર્યરત છે. રાજકોટમાં સ્ક્રૂ-ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટૂલ્સ અને રોકેટ સુધીના પાર્ટ્સ તૈયાર થઈ રહ્યા છે. આ પ્રદેશ હાઈ-ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઈનને સપોર્ટ કરે છે.
મોરબીની વાત કરતાં વધુમાં તેમણે કહ્યું હતું કે, મોરબી આજે ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાનું એક છે અને વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. એક સમયે મેં મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને ‘મિની જાપાન’ બનાવવાનું સપનું જોયું હતું, તે આજે હકીકત બની રહ્યું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન આજે આધુનિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર છે, જ્યાં ભારતની પહેલી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી તૈયાર થઈ રહી છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર અને કચ્છ આજે ગ્રીન ગ્રોથ અને એનર્જી સિક્યોરિટીનું પણ હબ બની રહ્યા છે. કચ્છમાં ૩૦ ગીગાવોટની ક્ષમતા ધરાવતો દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે ક્લીન એનર્જીના ક્ષેત્રમાં ભારત માત્ર પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ ‘કોમર્શિયલ સ્કેલ રિયાલિટી’ સાથે આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજનના સામર્થ્યથી સૌ પરિચિત છે અને ભારતમાં આ દિશામાં અભૂતપૂર્વ ઝડપી સ્કેલ પર કામ થઈ રહ્યું છે, જેમાં કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. કચ્છમાં સ્થાપિત કરવામાં આવી રહેલી વિશાળ ‘બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ’ (BESS) દ્વારા રિન્યુએબલ એનર્જીની સાથે ગ્રીડ સ્ટેબિલિટી અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, આ પ્રદેશ વિશ્વકક્ષાના બંદરોથી સજ્જ છે, જ્યાંથી ભારતની નિકાસનો મોટો હિસ્સો પસાર થાય છે. પિપાવાવ અને મુંદ્રા જેવા બંદરો આજે ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટના મેજર હબ બની ચૂક્યા છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ઉદ્યોગો માટે સજ્જ માનવબળ તૈયાર કરવામાં પણ ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસની આંતરરાષ્ટ્રીય ઈકોસિસ્ટમ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારની ‘કોશલ્ય સ્કીલ યુનિવર્સિટી’ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઓના સહયોગમાં યુવાનોને ફ્યુચર-રેડી સ્કીલ્સ માટે તૈયાર કરી રહી છે. આ ઉપરાંત, દેશની પ્રથમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી અને ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા રોડ, રેલવે, એરવેઝ, વોટરવેઝ અને લોજિસ્ટિક્સ જેવા દરેક ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની બે અગ્રણી યુનિવર્સિટીઓએ પણ ગુજરાતમાં પોતાના કેમ્પસ શરૂ કર્યા છે, જે દર્શાવે છે કે અહીં રોકાણની સાથે ટેલેન્ટ પાઈપલાઈન પણ સુનિશ્ચિત છે.
વડાપ્રધાનશ્રીએ રોકાણકારોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે, ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. તેમણે રોકાણકારો અહીં માત્ર MoU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેમના રોકાણની પાઈ-પાઈ અહીંથી શાનદાર વળતર આપશે. આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે.
કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સ અંગે તેમણે કહ્યું હતું કે, આ પ્રદેશના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ માટેની સુદ્રઢ ઇકોસિસ્ટમ ધરાવે છે. ગુજરાતમાં જિલ્લાઓ “વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ”ની સંકલ્પના સાકાર કરે તે માટે રાજ્ય સરકાર સ્ટેટ જી.ડી.પી.ની જેમ જ જિલ્લાના જી.ડી.પી.માં વૃદ્ધિનો કન્સેપ્ટ લાવી છે. જિલ્લાઓના વિકાસને નવી દિશા આપવા રાજ્યમાં છ રીજનલ ગ્રોથ હબ વિકસાવાઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ ગાંધીનગરને આપી મેટ્રોની ભેટ! મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરી રાજભવન જવા રવાના

આ પણ વાંચો: ગાંધીનગર માટે ઐતિહાસિક દિવસ, મહાત્મા મંદિરથી પીએમ મોદી મેટ્રોને આપશે લીલીઝંડી

આ પણ વાંચોઃ ટ્રમ્પ સાથે પીએમ મોદીએ ફોન પર વાત કરી, શું ભારત પરથી અમેરિકા ટેરિફ હટાવશે?