Ahmedabad News : ગુજરાતના બે અલગ-અલગ વિસ્તારોમાં પાણીની ટાંકી (Tank)સંબંધિત બનેલી ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. એક તરફ અમદાવાદમાં 75 વર્ષ જૂની પાણીની ટાંકી એટલી મજબૂત સાબિત થઈ કે તેને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું, જ્યારે બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા (તડકેશ્વર) ગામમાં 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી નવીનક્કોર પાણીની ટાંકી (Tank)ટ્રાયલ દરમિયાન જ પાણીમાં બેસી ગઈ.
આ બંને ઘટનાઓએ જૂના અને નવા બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. સાથે જ ભ્રષ્ટાચાર અને બેદરકારીના આક્ષેપો પણ તેજ બન્યા છે.
અમદાવાદ: 75 વર્ષ જૂની ટાંકી, જે તોડવા માટે JCBને ક્રેનથી ચડાવવું પડ્યું

અમદાવાદના સારંગપુર સર્કલ પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકી 10 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતી હતી. અંદાજે 75 વર્ષ જૂની આ ટાંકી (Tank)નું ડિમોલિશન ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં મજૂરો દ્વારા હથોડા અને સાધનો વડે ટાંકી તોડવાનો પ્રયાસ કરાયો, પરંતુ બાંધકામ એટલું મજબૂત હતું કે મજૂરોના હથોડા પણ બેકાર સાબિત થયા. અંતે, ટાંકીના ઉપરના ભાગને તોડવા માટે 13 જાન્યુઆરીએ 8 ટન વજનનું JCB મશીન મોટી ક્રેન મારફતે ટાંકી ઉપર ચડાવવું પડ્યું.
JCB ટાંકી પર ચડેલું જોઈ લોકો અચંબામાં
સારંગપુર વિસ્તારમાં જ્યારે લોકો દૂરથી પાણીની ટાંકી (Tank)ઉપર JCB મશીન જોયું, ત્યારે અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. લોકો ચર્ચા કરવા લાગ્યા કે 75 વર્ષ પહેલાં થયેલું બાંધકામ કેટલું મજબૂત હશે કે તેને તોડવા માટે આટલી ભારે મશીનરીનો સહારો લેવો પડે છે.
AMCનું સ્પષ્ટીકરણ
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે,
“સારંગપુર પાણીની ટાંકીનું ડિમોલિશન તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સાથે કરવામાં આવી રહ્યું છે. ટાંકી (Tank)નો ભાગ અત્યંત મજબૂત હોવાથી કોન્ટ્રેક્ટર દ્વારા સાઇડના ભાગ તોડવા માટે JCB મશીનનો ઉપયોગ કરવો પડ્યો.”
ડિમોલિશન દરમિયાન આસપાસ બેરિકેડ્સ મૂકવામાં આવ્યા હતા અને રોડથી અંદાજે 20-20 ફૂટ દૂર સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ ન થાય.
કોટ-ખાડિયા વિસ્તારને પાણી પૂરું પાડતી હતી ટાંકી
આ ટાંકી અમદાવાદના કોટ અને ખાડિયા સહિતના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતી હતી. ટાંકી અંદાજે 1500 ટન જેટલું વજન સહન કરી શકે તેવી મજબૂત હતી, જેના કારણે તેના ઉપર 8 ટન વજનનું JCB રાખીને પણ ડિમોલિશન શક્ય બન્યું.
સુરત: 21 કરોડની નવી ટાંકી ટ્રાયલમાં જ પાણીમાં બેસી ગઈ
બીજી તરફ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ (તડકેશ્વર ગામ)માં પાણીની સમસ્યા દૂર કરવા માટે 21 કરોડ રૂપિયાના ખર્ચે વિશાળ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકીનું બાંધકામ પૂરું થયા બાદ ટ્રાયલ માટે પાણી ભરવાનું શરૂ કરાયું.
પરંતુ પાણી ભરાતાં જ ટાંકી અચાનક લોંદાની જેમ ધસી પડી અને જમીનમાં બેસી ગઈ. સદનસીબે ઘટનાના સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતો રહ્યો.
આ ઘટનાએ બાંધકામની ગુણવત્તા, દેખરેખ અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ બંને ઘટનાઓને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
જૂનું મજબૂત, નવું નબળું?
અમદાવાદ અને સુરતની આ બંને ઘટનાઓ એક સ્પષ્ટ તફાવત બતાવે છે—
એક તરફ ઈમાનદારી અને ગુણવત્તાથી થયેલું જૂનું બાંધકામ,
અને બીજી તરફ કરોડો ખર્ચ છતાં ગુણવત્તાવિહોણું નવું બાંધકામ.
હવે સવાલ એ છે કે 21 કરોડ રૂપિયાની ટાંકી (Tank)બેસી જવા પાછળ જવાબદાર કોણ? શું આ મામલે જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી આ કેસ પણ ફાઇલોમાં દટાઈ જશે? ગુજરાતની જનતા હવે જવાબ માગી રહી છે.
