Ahmedabad Kathwada GIDC Cashew Raid: અમદાવાદ શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગે લાલ આંખ કરી છે. કઠવાડા GIDCમાં હલકી ગુણવત્તાના કાજુનું પ્રોસેસિંગ કરી વેચાણ કરતા એક મોટા યુનિટ પર દરોડા પાડીને તંત્રે 3000 કિલો જેટલો બિનઆરોગ્યપ્રદ જથ્થો જપ્ત કર્યો છે.
Ahmedabad કઠવાડા GIDC યુનિટમાં કાજુના જથ્થામાં જીવડા
હેલ્થ વિભાગની રેડ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કઠવાડા GIDCમાં આવેલા આ યુનિટમાં કાજુના જથ્થામાં જીવડા અને જીવાતો જોવા મળી હતી. અત્યંત બિનઆરોગ્યપ્રદ અને ગંદકીવાળી સ્થિતિમાં અહીં કાજુનું પેકેજિંગ કરવામાં આવતું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, અલગ-અલગ રાજ્યોમાંથી કાજુના ટુકડા અને ભૂકો લાવીને તેને મશીનરી દ્વારા પ્રોસેસ કરી પેકેટ તૈયાર કરવામાં આવતા હતા.

ચિરાગ ઠક્કરનું યુનિટ સીલ કરાયું
આ યુનિટ ચિરાગ ઠક્કર નામનો વ્યક્તિ ચલાવતો હતો. રેડ દરમિયાન હેલ્થ વિભાગે જ્યારે જરૂરી દસ્તાવેજો માંગ્યા, ત્યારે ત્યાં હાજર કર્મચારીઓ કાજુની ખરીદી કે વેચાણના કોઈ પણ પુરાવા આપી શક્યા નહોતા. આ એકમ પાસે યોગ્ય લાયસન્સ પણ ન હોવાનું સામે આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા સમગ્ર એકમને સીલ કરી દેવામાં આવ્યું છે.
ક્યાં ક્યાં વેચાણ કરાયું? તપાસ શરૂ
તંત્રે અહીંથી તૈયાર થયેલા કાજુના પેકેટનો મોટો જથ્થો પણ કબજે કર્યો છે. આ બિનઆરોગ્યપ્રદ કાજુ અમદાવાદ શહેર કે અન્ય કઈ કઈ જગ્યાએ વેચવામાં આવ્યા છે, તે દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવી છે. ડ્રાયફ્રૂટ્સના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતા આવા વેપારીઓ સામે કડક કાર્યવાહીના સંકેત અપાયા છે.
આ પણ વાંચો:રાજ્યવ્યાપી દરોડામાં રૂ. 41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો
આ પણ વાંચો:રાજકોટમાં ખાદ્યપદાર્થોની ચકાસણી ઝુંબેશઃ બે ડેરી નિષ્ફળ
આ પણ વાંચો:આ ખાદ્યપદાર્થોના સેવનથી યુરિક એસિડ વધી શકે છે, ભૂલથી પણ તેને તમારા આહારમાં સામેલ ન કરો
