Vadodara News/ ડમ્પર બન્યું કાળ! વડોદરામાં ડમ્પરના ટાયર નીચે કચડાતા આધેડનું પ્રાણપંખેરું ઊડી ગયું

વડોદરા (Vadodara) ના તરસાલી વિસ્તારમાં ૨૨ ફેબ્રુઆરીએ ડમ્પરની અડફેટે એક્ટિવા સવાર ૫૫ વર્ષીય આધેડનું મોત થયું છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Gujarat Top Stories Vadodara
Vadodara Tarsali Accident News

Vadodara Tarsali Accident News: સંસ્કારી નગરી વડોદરાના તરસાલી વિસ્તારમાં આજે (22 ફેબ્રુઆરી) રવિવારના દિવસે એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. તરસાલી બળીયાદેવ મંદિર પાસે બેફામ ગતિએ દોડતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા સવાર 55 વર્ષીય આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આધેડ ડમ્પરના આગળના ટાયર નીચે કચડાઈ ગયા હતા.

Vadodara Tarsali Accident News

Vadodara: ડમ્પરનું વ્હીલ ફરી વળતા નીપજ્યું મોત

મળતી વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનના વતની અને હાલ જામ્બુવા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય દોલતરામ લુહાર આજે પોતાના એક્ટિવા પર તરસાલી બળીયાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દોલતરામ નીચે પટકાયા હતા અને ડમ્પરનું આગળનું ટાયર તેમના પર ફરી વળ્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

મોપેડ ડમ્પરના વ્હીલમાં ફસાઈ ગયું

અકસ્માત એટલો જોરદાર હતો કે મૃતકનું એક્ટિવા ડમ્પરના આગળના ભાગમાં ફસાઈ ગયું હતું. ત્યાં હાજર લોકોએ ભેગા થઈને મહામુસીબતે મોપેડને બહાર કાઢ્યું હતું. ઘટનાને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભરચક રસ્તાઓ પર બેફામ દોડતા ભારે વાહનોને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Vadodara Tarsali Accident News

મૃતક બસ બોડીનું કામ કરતા હતા

મૃતક દોલતરામ લુહાર બસ બોડી બનાવવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને વતન રાજસ્થાન લઈ જવામાં આવશે. પોલીસે અકસ્માત સર્જી ભાગવા જઈ રહેલા ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:ઓડિશામાં મોટો ટ્રેન અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ઘણા લોકો ઘાયલ થયા હોવાની શકયતા

 આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભિંડ-ગ્વાલિયર હાઇવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને સાત ઘાયલ

 આ પણ વાંચો:યુપીમાં મોટો અકસ્માત ગંગા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત, 4 ઘાયલ