Ahmedabad News/ GTUમાં જ્ઞાનનો ઉત્સવ! “READ2INNOVATE” પહેલ દ્વારા ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાનને વેગ

GTU સેન્ટ્રલ લાઇબ્રેરી અને ધ બુક ટોક દ્વારા READ2INNOVATE કાર્યક્રમનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓમાં વાંચન અને ઇનોવેશન વધારવા માટે વેબસાઇટ લોન્ચ અને સમૂહ વાચન કરવામાં આવ્યું.

Gujarat Top Stories Ahmedabad
GTU READ2INNOVATE Initiative

GTU READ2INNOVATE Initiative: પુસ્તકો માત્ર જ્ઞાનનું સાધન નથી, પણ વ્યક્તિત્વ નિર્માણનો પાયો છે. આ વિચારને સાર્થક કરવા માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ની સેન્ટ્રલ લાઇબ્રેરી અને “ધ બુક ટોક” ક્લબ દ્વારા “READ2INNOVATE – The Group Reading Initiative” કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને વાંચનની આદત કેળવવાનો છે.

વાંચન એ વ્યક્તિત્વ નિર્માણનું માધ્યમ: ડૉ. જયેન્દ્રસિંહ જાદવ

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના રજિસ્ટ્રાર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, “વાંચન સંસ્કાર વિકાસ અને સમાજ નિર્માણનું શક્તિશાળી માધ્યમ છે.” આ પ્રસંગે GTUના રજિસ્ટ્રાર ડૉ. કે. એન. ખેર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉમેર્યું કે GTU ટેક્નિકલ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ છે.

GTU READ2INNOVATE Initiative

“ધ બુક ટોક”ની વેબસાઇટનું લોન્ચિંગ

આ કાર્યક્રમની એક મહત્વપૂર્ણ ક્ષણ “ધ બુક ટોક” ક્લબની સત્તાવાર વેબસાઇટનું લોન્ચિંગ હતું. આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હવે વિદ્યાર્થીઓ ગમે ત્યારે પુસ્તકોની સમીક્ષા, સાહિત્યિક ચર્ચાઓ અને નવીનતમ સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ શકશે. ક્લબના સ્થાપક હર્ષ બારોટે જણાવ્યું કે આ પહેલ સમાજમાં એક વિચારક્રાંતિની શરૂઆત છે.

READ2INNOVATE : સમૂહ વાચનનો અનોખો નજારો

“વાંચે ગુજરાત અભિયાન ૨.૦” અંતર્ગત GTUના તમામ કર્મચારીઓ અને વિવિધ વિષયોના વિદ્યાર્થીઓએ એકસાથે બેસીને સમૂહ વાચન કર્યું હતું. વિદ્યાર્થીઓએ સાહિત્ય, પ્રેરણાદાયી જીવનચરિત્રો અને વૈજ્ઞાનિક લેખન ધરાવતા પુસ્તકો વાંચ્યા હતા. વાચન બાદ યોજાયેલા ચર્ચાસત્રમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જે “Read to Think, Read to Grow, Read to Innovate” ના સૂત્રને સાકાર કરતું હતું.

લાઇબ્રેરી વિચારશક્તિનું કેન્દ્ર

યુનિવર્સિટી લાઇબ્રેરિયન ડૉ. મહેશ કે. સોલંકી અને તેમની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડૉ. કોમલ બોરીસાગરે જણાવ્યું કે લાઇબ્રેરી માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી પણ નવા વિચારોનું ઉદ્ગમસ્થાન છે. આ પહેલ વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક અને સફળ વ્યાવસાયિક બનાવવામાં મહત્વની કડી સાબિત થશે.


આ પણ વાંચો: GTU ફરી વિવાદમાં, સંલગ્ન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે છેડતીનો આક્ષેપ

આ પણ વાંચો: GTU માં “વિકસિત ભારત યુવા કનેક્ટ” કાર્યક્રમનું આયોજન કરાયું

આ પણ વાંચો: GTU અને SET દ્વારા વર્ચ્યુઅલ લેબ્સ પર કાર્યશાળાનું આયોજન