india news/ CEO કૃતિવાસને મૌન તોડ્યું, નિદા ખાનની ભૂમિકા અને યુનિટ બંધ થવાની અફવા પર કર્યો મોટો ખુલાસો

TCS CEO કે. કૃતિવાસને Nashik કેસ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે નિદા ખાનની ભૂમિકા સ્પષ્ટ કરી અને નાસિક યુનિટ બંધ થવાની અફવાઓને ફગાવી દીધી છે.

Top Stories NATIONAL India
TCS Nashik Case Update

TCS Nashik Case Update: ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના નાસિક યુનિટમાં ચાલી રહેલા વિવાદ પર કંપનીના CEO કે. કૃતિવાસને મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત પત્ર દ્વારા તેમણે સ્પષ્ટતા કરી છે કે મીડિયામાં ચાલી રહેલી ઘણી ખબરો ખોટી અને ભ્રામક છે. તેમણે ખાસ કરીને ફરાર આરોપી નિદા ખાનની ભૂમિકા અને નાસિક યુનિટના ભવિષ્ય અંગે મહત્વના ખુલાસા કર્યા છે.

નિદા ખાન HR નથી, માત્ર પ્રોસેસ એસોસિયેટ છે

CEO કૃતિવાસને પત્રમાં જણાવ્યું છે કે નિદા ખાનને સતત નાસિક યુનિટની HR (હ્યુમન રિસોર્સ) તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે તદ્દન ખોટું છે. નિદા ખાન કંપનીમાં માત્ર એક ‘પ્રોસેસ એસોસિયેટ’ તરીકે કામ કરે છે. તેની પાસે ભરતી પ્રક્રિયા (Recruitment) કે લીડરશીપ સંબંધિત કોઈ જવાબદારી નથી. નોંધનીય છે કે નિદા ખાન પર ધર્માંતરણ અને યૌન શોષણ જેવા ગંભીર આરોપો છે અને તે હાલ ફરાર છે.

Nashik યુનિટ બંધ કરવાની ખબરોનું ખંડન

કંપનીએ એવા અહેવાલોને પણ ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાસિક યુનિટ બંધ કરી દેવામાં આવ્યું છે. CEOએ સ્પષ્ટ કર્યું કે નાસિક યુનિટ સંપૂર્ણપણે સક્રિય છે અને ત્યાં કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. આ ઉપરાંત, પ્રારંભિક તપાસમાં કંપનીને તેના POSH (Prevention of Sexual Harassment) ચેનલો પર અગાઉ કોઈ ફરિયાદ મળી નહોતી.

ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે તપાસ

આ મામલે નિષ્પક્ષ તપાસ માટે TCS એ મોટા પગલાં લીધા છે, જેમાં સ્વતંત્ર તપાસ માટે એક્સપર્ટ ટીમ તરીકે ‘ડિલોઈટ’ (Deloitte) ની મદદ લેવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસનું નેતૃત્વ TCS ના પ્રેસિડેન્ટ અને COO સુશ્રી આરતી સુબ્રમણ્યન કરી રહ્યા છે. આ ઉપરાંત, એક વિશેષ ઓવરસાઇટ કમિટી પણ બનાવવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે TCS ના સ્વતંત્ર નિર્દેશક શ્રી કેકી મિસ્ત્રી સેવા આપી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

નાસિકની BPO યુનિટમાં કામ કરતા 7 મહિલા અને 1 પુરુષ કર્મચારીએ કંપનીના 6 સાથી કર્મચારીઓ પર યૌન શોષણ, ધાર્મિક લાગણી દુભાવવી અને જબરદસ્તી ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો છે. નાસિક પોલીસે અંડરકવર ઓપરેશન કરીને અત્યાર સુધીમાં 9 FIR નોંધી છે અને 6 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી નિદા ખાન હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

નિદા ખાનનો પ્રેગ્નન્સીનો દાવો

બીજી તરફ, ફરાર નિદા ખાને નાસિકની સ્થાનિક કોર્ટમાં મેડિકલ આધારે રાહતની માંગ કરી છે. તેણે દાવો કર્યો છે કે તે ગર્ભવતી છે અને તેને કોર્ટ તરફથી રક્ષણ જોઈએ. હાલ તપાસ એજન્સીઓ તેના લોકેશન અને તેના દાવાઓની સત્યતા તપાસી રહી છે. રિપોર્ટ્સ મુજબ તે મુંબઈમાં હોવાની શક્યતા છે.


આ પણ વાંચો: નાસિક TCS માં ધર્માંતરણ અને સતામણીના આક્ષેપ, 150 કર્મચારીઓને WFH