GTU Student Harassment Case :ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એક વખત ફરી ગંભીર વિવાદમાં આવી છે. GTU સંલગ્ન સોમનાથ યુનિવર્સિટીમાં યોજાયેલી કલ્ચરલ એક્ટિવિટી દરમિયાન એક વિદ્યાર્થીની સાથે છેડતી અને જાતીય સતામણી કરાઈ હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલ સામે સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે.
વિચિત્ર અને અભદ્ર માગણીનો આક્ષેપ
ફરિયાદ મુજબ, કલ્ચરલ કાર્યક્રમ દરમિયાન સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલે વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. વિદ્યાર્થીનીનો આરોપ છે કે તેણે મહિલાઓના કપડા પહેરવાની જેવી વિચિત્ર અને અભદ્ર માગણી કરી હતી. આ ઘટનાથી વિદ્યાર્થીની માનસિક રીતે વ્યથિત બની હતી.
ટ્રસ્ટી ઓફિસથી GTU સુધી પહોંચ્યો મામલો
ઘટનાના પગલે વિદ્યાર્થીનીએ સૌપ્રથમ સોમનાથ યુનિવર્સિટીના ટ્રસ્ટી ઓફિસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ મામલો GTUની ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી (ICC) સુધી પહોંચ્યો. જોકે, ફરિયાદ નોંધાયા બાદ પણ GTU તરફથી કડક કાર્યવાહી ન થવાની વાત સામે આવી છે.
‘મૌખિક સસ્પેન્શન’ પર સવાલ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ્સ ઓફિસરને મૌખિક રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે, પરંતુ કાગળ પર તે હજુ પણ GTUનો કર્મચારી હોવાનું સામે આવી રહ્યું છે. આ બાબતે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક વર્તુળોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ પ્રકારની કાર્યવાહી પૂરતી છે?
સ્પોર્ટ્સ ઓફિસર પોતાને ‘ડાયરેક્ટર’ તરીકે ઓળખાવતો
આ કેસમાં વધુ એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. આરોપી ડૉ. આકાશ ગોહિલ સ્પોર્ટ્સ ઓફિસર હોવા છતાં પોતાને ‘ડાયરેક્ટર’ તરીકે ઓળખાવતો હતો. આ બાબતની જાણ અધિકારીઓને હોવા છતાં અત્યાર સુધી કોઈએ વાંધો ઉઠાવ્યો ન હોવાનું કહેવાય છે.
રાજકીય સંપર્કોને લઈને ચર્ચા
આરોપી અધિકારીનું સોશિયલ મીડિયા જોતા તેનું રાજકીય બેકગ્રાઉન્ડ મજબૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અનેક નેતાઓ સાથે નજીકના સંપર્ક અને રાજકીય જોડાણ હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. કેટલાક વર્તુળોમાં GTU દ્વારા આરોપીને છાવરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા પણ જોર પકડી રહી છે.
GTUમાં અગાઉ પણ આવી ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અગાઉ પણ પૂર્વ રજિસ્ટ્રાર અને કુલસચિવ સામે છેડતીના આરોપો સામે આવી ચૂક્યા છે. સતત સામે આવી રહેલી ફરિયાદોને જોતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
‘મહિલા વાઈસ ચાન્સેલર હોવા છતાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?’
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં મહિલા વાઈસ ચાન્સેલર હોવા છતાં જો વિદ્યાર્થીનીઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે, તો તે સમગ્ર વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે એવી ટીકા થઈ રહી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વિદ્યાર્થીનીને ન્યાય મળશે કે નહીં?
હાલ મામલે તપાસ ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામની નજર હવે GTU તંત્ર પર છે કે આ કેસમાં ક્યારે અને કેવી કાર્યવાહી થાય છે.
