Ahmedabad News:અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતની (Accident) ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ ગંભીર અકસ્માત સર્જાયા છે, જેમાં બેફામ વાહનચાલન, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને નશાના આરોપો સામે આવ્યા છે. આ ઘટનાઓએ ફરી એક વખત ટ્રાફિક નિયમોનું પાલન અને રોડ સેફ્ટી પર સવાલો ઉભા કર્યા છે. પોલીસે તમામ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.
અકસ્માતમાં (Accident) એક્ટિવા ચાલકને ગંભીર ઇજા
શહેરના નારણપુરા વિસ્તારમાં ભાવિન ચાર રસ્તા નજીક ગઈકાલે સાંજે એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. પૂરપાટ ઝડપે રોંગ સાઇડમાં આવી રહેલી કારે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ચાર રસ્તા પર એક્ટિવા, રિક્ષા અને અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કરના કારણે એક્ટિવા ચાલક એક્ટિવા પરથી નીચે પછડાયો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. રિક્ષાની દિશા પણ બદલાઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ નહીં. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ છે, જેમાં કાર ચાલક પૂર ઝડપે રોંગ સાઇડમાં દોડતો દેખાઈ રહ્યો છે.બી ડિવિઝન ટ્રાફિક પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાએ વધુ એક વખત રોંગ સાઇડ ડ્રાઇવિંગના જોખમને ઉજાગર કર્યું છે.

આ સાથે જ વાળીનાથ ચોક પાસે એક હૃદયદ્રાવક અકસ્માત (Accident) સર્જાયો હતો. જમાઈની ખબર કાઢવા એક્ટિવા પર જઈ રહેલા દંપતીને બેફામ ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે દંપતી જમીન પર પટકાયા હતા અને ડમ્પરનું પાછળનું વ્હીલ મહિલા પર ચડી જતાં તેમનું માથું છૂંદાઈ ગયું અને સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.પુરુષને પણ ગંભીર ઈજા પહોંચી છે અને તેમની હાલત ગંભીર છે. આ ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાસણા વિસ્તારમાં પણ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દારૂના નશામાં ધૂત ટ્રક ચાલકે એક્ટિવા પર શાળાએ જઈ રહેલી બે શિક્ષિકાઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં (Accident) એક શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી શિક્ષિકા ગંભીર રીતે ઘાયલ થઈ છે.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. પોલીસે ચાલકને અટકાયત કરી તેની પાસેથી દારૂની તપાસ કરાવી છે અને કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
