Ahmedabad News/ અમદાવાદમાં TET-1ના બે પરીક્ષાર્થીને અકસ્માત: મેથ્સ પેપર અઘરું લાગતાં ઉમેદવારો મૂંઝવણમાં

ધોરણ 1થી 5ના સરકારી પ્રાથમિક શિક્ષક માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાઈ હતી.

Gujarat Ahmedabad
TET-1

TET-1 Exam: ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે (21 ડિસેમ્બર) ધોરણ 1થી 5ના સરકારી પ્રાથમિક શિક્ષક માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાઈ હતી. બપોરે 12થી 2 વાગ્યા સુધી યોજાયેલી આ પરીક્ષામાં રાજ્યભરમાં કુલ 1.01 લાખ ઉમેદવાર નોંધાયા હતા.

અમદાવાદમાં શહેર-ગ્રામ્યને મળી TET-1ની પરીક્ષામાં 38 હજારથી વધુ ઉમેદવાર નોંધાયા

સૌથી વધુ 38,269 ઉમેદવારોએ અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં TET-1ની પરીક્ષા આપી હતી, જ્યારે વડોદરામાં 30,475, સુરતમાં 18,584 અને રાજકોટમાં 14,190 ઉમેદવારો નોંધાયા હતા.

પરીક્ષા પહેલાં અમદાવાદમાં અકસ્માતની ઘટના બની હતી. હિંમતનગરથી પરીક્ષા આપવા આવેલા બે પરીક્ષાર્થીને અજીતમીલ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે એક કારે અડફેટે લીધા હતા. હ્યુન્ડાઈ અલ્કાઝર (GJ-27-EC-4072) કારના ચાલકે ટક્કર મારતા બંને ઉમેદવારોને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કારચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

પરીક્ષા દરમિયાન મેથ્સ વિષય અઘરું પૂછાયું હોવાની ઉમેદવારોની ફરિયાદ હતી. બે વર્ષ બાદ લેવાયેલી TET-1ની આ પરીક્ષામાં સમય મર્યાદા 90 મિનિટમાંથી વધારી 120 મિનિટ કરાઈ હતી, તેમ છતાં ઘણા ઉમેદવારો પેપર પૂર્ણ કરી શક્યા ન હતા. જોકે, પરીક્ષા કોઈ પણ વિવાદ વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. 150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું નહોતું.

રાજકોટમાં સંત કબીર રોડ સ્થિત મુરલીધર વિદ્યાલય ખાતે પરીક્ષા કેન્દ્ર પર વ્યવસ્થાની ખામી સામે આવી હતી. અહીં અંદાજે 200 ઉમેદવારોને 11:30 વાગ્યા બાદ એન્ટ્રી આપવામાં આવતાં વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી બહાર બેસી રહેવું પડ્યું હતું. જ્યારે અધિકૃત રીતે એન્ટ્રીનો સમય 11:00 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો.

2015માં TET-1ની પરીક્ષા આપી હતી, હવે આજે આપી રહ્યા છીએઃ ખુશ્બુ

ઉમેદવાર ખુશ્બુએ જણાવ્યું હતું કે, “2015માં TET-1 આપી હતી અને આજે ફરી 2025માં પરીક્ષા આપી રહ્યા છીએ. આટલા વર્ષ બાદ પરીક્ષા લેવાતી હોવાથી ઉત્સાહ છે, પરંતુ સમયસર ભરતી ન થવાથી ભવિષ્ય અંગે અસમંજસ રહે છે.”

અન્ય ઉમેદવાર પટેલ ખુશ્બુએ જણાવ્યું કે, “આ વર્ષે દરેક વિષયમાં પદ્ધતિશાસ્ત્રનો સમાવેશ કરાયો છે. શિક્ષકો નિવૃત્ત થાય છે પરંતુ નવી ભરતી થતી નથી, જેથી કારકિર્દી અંગે વિચારવું મુશ્કેલ બની જાય છે. જલ્દી કાયમી શિક્ષકોની ભરતી જરૂરી છે.”

ઉમેદવાર ખ્યાતિ રાવલે કહ્યું કે, “પરિવારનો પૂરતો સપોર્ટ છે. શિક્ષક દેશનું ભવિષ્ય ઘડતો હોય છે. 120 મિનિટનો સમય હોવાથી ખાસ વાંધો આવ્યો નથી.”

ઉલ્લેખનીય છે કે, TET-1 પાસ કરવું પ્રાથમિક શિક્ષકની ભરતી માટે અનિવાર્ય છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં લેવાયેલી TET-1ની આ પરીક્ષાના ગુણ, ઉમેદવારની લાયકાત અને ગ્રેજ્યુએશનના આધારે કોમન મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેના પરથી ધોરણ 1થી 5ના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો : TET-1 પાસ ઉમેદવારોની માંગણીઓનો ઉકેલ ન આવતા ગાંધીનગરમાં આંદોલન, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત

આ પણ વાંચો : TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં ધરાશે હાથ

આ પણ વાંચો : TET-1-TET-2ની પરીક્ષા તારીખો જાહેર TET-1 કસોટી 16 એપ્રિલના રોજ લેવાશે TET-2 કસોટી 23 એપ્રિલના રોજ લેવાશે અંદાજે 87 હજાર ઉમેદવાર આપશે TET-1 પરીક્ષા અંદાજે 2.72 હજાર ઉમેદવારો