Delhi News/ ધમકીઓનો સિલસિલો યથાવત! દિલ્હીની શાળાઓ બાદ હવે લાલ કિલ્લા અને વિધાનસભાને મળી બોમ્બની ધમકી

દિલ્હી વિધાનસભા (Vidhan Sabha) , લાલ કિલ્લો અને બે મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ખાલિસ્તાની ગ્રુપના નામે આવેલા ઈ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

NATIONAL Top Stories Gujarat India

Delhi Vidhan Sabha Bomb Threat News: દેશની રાજધાની દિલ્હીમાં આજે સોમવારે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. દિલ્હી વિધાનસભા ભવન અને ઐતિહાસિક લાલ કિલ્લાને બોમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. આ ધમકી એક ખાલિસ્તાની ગ્રુપના નામે મોકલવામાં આવેલા ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે.

Vidhan Sabha અને લાલ કિલ્લે તપાસ

ધમકીભર્યો ઈ-મેલ મળતા જ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો એક્શનમાં આવી ગઈ છે. વિધાનસભા ભવનના ખૂણેખૂણે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં લાલ કિલ્લાની સુરક્ષામાં પણ મોટો વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ પોલીસ કોઈ જોખમ લેવા માંગતી નથી.

શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી

વિધાનસભા અને લાલ કિલ્લા પહેલા આજે સવારે દિલ્હીની બે પ્રતિષ્ઠિત શાળાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. ધૌલા કુંઆ સ્થિત આર્મી પબ્લિક સ્કૂલ અને લોધી રોડ પર આવેલી એરફોર્સ બાલ ભારતી સ્કૂલને પણ બોમ્બની ધમકી મળી હતી. સાવચેતીના ભાગરૂપે આખું કેમ્પસ ખાલી કરાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું.

ફેબ્રુઆરીમાં ધમકીઓનો સિલસિલો

છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ-અલગ ભાગોમાં બોમ્બની ધમકી મળવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા સહિત 6 જિલ્લા અદાલતોને ઈ-મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જ્યારે 19 ફેબ્રુઆરીએ નોઈડાની 12 શાળાઓને પરીક્ષાના સમયે જ ઉડાવી દેવાની ધમકી મળતા ફફડાટ ફેલાયો હતો. આ જ દિવસે જયપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચને છેલ્લા સાડા ત્રણ મહિનામાં 9મી વખત ધમકી મળી હતી, અને અગાઉ 9 ફેબ્રુઆરીએ હરિયાણાના પંચકુલા કોર્ટના સેશન જજને મળેલી આવી જ ધમકી બાદ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આ તમામ ઘટનાઓમાં હજુ સુધી કોઈ વિસ્ફોટક મળી આવ્યો નથી, પરંતુ વારંવાર આવતા આવા ઈ-મેલ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે માત્ર કોઈ ટીખળખોરનું કૃત્ય, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ ઝીણવટભરી તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:દિલ્હીની શાળાઓમાં બોમ્બ ધમકી, પોલીસ અને શાળા વહીવટીતંત્ર હાઇ એલર્ટ પર

આ પણ વાંચો:દિલ્હી બાદ બોમ્બે હાઈકોર્ટને મળી બોમ્બ ધમકી, કેમ્પસ ખાલી કરાવાયું…

આ પણ વાંચો:દિલ્હીમાં સ્કુલો પર બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત, ચોથા દિવસે 20થી વધુ સ્કૂલો નિશાને!