Mahila Art and Craft Festival Vidhan Sabha: ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની હસ્તકલા હવે વૈશ્વિક બ્રાન્ડ: શંકરભાઈ ચૌધરી
ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જણાવ્યું હતું કે, ગુજરાતની બહેનોએ પોતાના કૌશલ્ય અને પુરુષાર્થથી હસ્તકલા અને ભરતકામ જેવા ક્ષેત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. આજે ગુજરાતની આ પરંપરાગત કળા વિશ્વ માટે એક પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ’ બની ગઈ છે. તેમણે આ સુંદર પહેલ બદલ મંત્રી મનીષાબેન વકીલને અભિનંદન પાઠવ્યા હતા અને ધારાસભ્યોને આ કળાના પ્રચાર માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
સ્વાભિમાન અને આત્મનિર્ભરતાનું પ્રતીક
અધ્યક્ષએ નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, આ સ્ટોલ્સ માત્ર વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ મહિલા શક્તિના સ્વાભિમાનનું પ્રતીક છે. આ પ્રદર્શનમાં પ્રદર્શિત દરેક ચીજવસ્તુઓમાં આત્મનિર્ભર ભારતના સપનાની ઝાંખી જોવા મળે છે. નાગરિકોનો નાનો સહયોગ આ બહેનોને નવી ઊર્જા પૂરી પાડશે.

ક્યારે અને ક્યાં સુધી ચાલશે Mahila Art and Craft Festival?
‘ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.’ દ્વારા ગુજરાત વિધાનસભા સંકુલ, ગાંધીનગર ખાતે એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનારા આ પ્રદર્શનમાં કુલ 10 સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જ્યાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. મુલાકાતીઓ સવારે 9:30 થી સાંજે 6:30 કલાક સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકશે અને મહિલા સશક્તિકરણના આ પ્રયાસને પ્રોત્સાહન આપી શકશે.
આ પ્રસંગે વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
