Surat News/ સુરત બિલ્ડર તુષાર ઘેલાણી કેસમાં બ્લેકમેલર પ્રેમિકા પૂનમ ભદૌરિયા જેલભેગી,1.37 કરોડ પડાવ્યા છતાં કરતી હતી ટોર્ચર

સુરત (Surat) ના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો. પ્રેમિકા પૂનમ ભદૌરિયાના બ્લેકમેલિંગથી કંટાળી બિલ્ડરે ગોળી મારી હતી. પોલીસે પ્રેમિકાની ધરપકડ કરી છે.

Gujarat Top Stories Surat
Surat Tushar Ghelani Suicide Case

Surat Tushar Ghelani Suicide Case: સુરતના જાણીતા બિલ્ડર અને ‘જોલી ગ્રુપ’ના માલિક તુષાર ઘેલાણીએ પોતાની પુત્રીના લગ્નના માત્ર ચાર દિવસ પહેલા જ આપઘાત કરી લીધો હતો. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સુરત પોલીસે હવે મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તુષાર ઘેલાણી તેમની જ ભૂતપૂર્વ કર્મચારી અને પ્રેમિકા પૂનમ ભદૌરિયાના બ્લેકમેલિંગથી કંટાળી ગયા હતા. પોલીસે રવિવારે પૂનમ ભદૌરિયાની ધરપકડ કરી લીધી છે.

કર્મચારીથી પ્રેમિકા સુધીની સફર

પોલીસના જણાવ્યા અનુસાર, પૂનમ ભદૌરિયા વર્ષ 2010માં તુષાર ઘેલાણીના ‘જોલી ગ્રુપ’માં કર્મચારી તરીકે જોડાઈ હતી. બે વર્ષ કામ કર્યા બાદ તે છૂટી થઈ ગઈ હતી, પરંતુ 2014માં તે ફરીથી તુષાર ઘેલાણી સાથે જોડાઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે પ્રોફેશનલ સંબંધો હતા, જે ધીમે-ધીમે પ્રેમમાં બદલાયા હતા. એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા મુજબ, બંને વચ્ચે સહમતિથી સંબંધો હતા, પરંતુ આ સંબંધો જ બિલ્ડર માટે કાળ સાબિત થયા.

બ્લેકમેલિંગ અને કરોડોના વ્યવહારો

તુષાર ઘેલાણીએ પૂનમના પ્રેમમાં અંધ થઈને તેને આર્થિક રીતે માલામાલ કરી દીધી હોવાની ચોંકાવનારી હકીકતો પોલીસ તપાસમાં સામે આવી છે. તપાસ મુજબ, તુષાર ઘેલાણીએ ‘બચપણ’ બ્રાન્ડ હેઠળ એક સ્કૂલ શરૂ કરી હતી, જેમાં પૂનમે એક પણ રૂપિયો રોક્યો ન હોવા છતાં તેને 50 ટકાની ભાગીદાર બનાવી દેવામાં આવી હતી. છેલ્લા 6 થી 7 વર્ષના ગાળામાં જ પૂનમના બેંક ખાતામાં પ્રોફિટના નામે અંદાજે 1.37 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, એટલું જ નહીં, વર્ષ 2025માં પૂનમને બે દુકાનો પણ મિલકત તરીકે આપવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે.

પુત્રીના લગ્ન સમયે જ કેમ ભર્યું પગલું?

તુષાર ઘેલાણીને ડર હતો કે પૂનમ તેમની પુત્રીના લગ્ન પ્રસંગે કોઈ મોટો હોબાળો કરી શકે છે અથવા તેમનો ‘સિક્રેટ સંબંધ’ જાહેર કરી શકે છે. આપઘાત કરતા પહેલા તુષારભાઈએ પોતાની પુત્રી તન્વીને કહ્યું હતું કે, “હું ફસાઈ ગયો છું અને પૂનમ મને ખૂબ બ્લેકમેલ કરી રહી છે.” પૂનમની સતત વધતી જતી માંગણીઓ અને સામાજિક બદનામીના ડરથી તુષાર ઘેલાણીએ 31 જાન્યુઆરીએ પોતાની લાયસન્સી રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારી દીધી હતી. 4 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Surat ઉમરા પોલીસની કાર્યવાહી

બિલ્ડરની પુત્રી તન્વીની ફરિયાદના આધારે, ઉમરા પોલીસે પૂનમ ભદૌરિયા સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી (BNS ની કલમ 306) હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે પૂનમે છેલ્લે કઈ એવી ડિમાન્ડ કરી હતી જેના કારણે બિલ્ડરે આટલું આકરું પગલું ભર્યું.


આ પણ વાંચો : સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત

આ પણ વાંચો : સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર : પરિવારની અંગદાનની જાહેરાત 

આ પણ વાંચો : સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કર્યો, પોતાની રિવોલ્વરથી ગોળી મારી, હાલત ગંભીર